ભારતીય ક્રિકેટરોએ સોશિયલ મિડિયા પર કહ્યું ‘હેપ્પી મધર્સ ડે’

મુંબઈઃ સચીન તેંડુલકર અને વિરાટ કોહલી સહિતના ભારતીય ક્રિકેટરોએ આજે મધર્સ ડે નિમિત્તે સોશિયલ મિડિયા પર શુભેચ્છા વ્યક્ત કરી હતી. કોરોના વાઈરસ રોગચાળાને કારણે હાલ ક્રિકેટની તમામ પ્રવૃત્તિઓ બંધ છે અને તમામ ખેલાડીઓ પોતપોતાના ઘરમાં પૂરાયેલા છે. આવા સમયમાં આ ખેલાડીઓ સોશિયલ મિડિયા દ્વારા એમના પ્રશંસકો સાથે સંપર્કમાં રહે છે.

તેંડુલકર એમના ટ્વિટર હેન્ડલ પર એમના માતા માટે એક સંદેશ લખ્યો છે કે, ‘મારા સર્વસ્વ ઉપરાંત તમે જ મારા AAI રહ્યાં છો – ઓલ્વેઝ અમેઝિંગ એન્ડ ઈરરીપ્લેસેબલ. મારા માટે બધું કરી છૂટવા બદલ આપનો આભાર.’ આ સાથે સચીને પોતાની નાનપણની એક તસવીર પણ પોસ્ટ કરી છે, જેમાં એમને તેમના માતાએ તેડ્યાં છે.

વિરાટ કોહલીએ પણ પોતાની અને એમની માતાની તસવીરો પોસ્ટ કરી છે અને લખ્યું છે, હેપ્પી મધર્સ ડે.

ટેસ્ટ ટીમના વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણેએ એના માતા સાથેની પોતાની એક જૂની તસવીરને પોસ્ટ કરી છે. એણે તેની પત્ની અને પુત્રી સાથેની એક તસવીર પણ શેર કરી છે અને લખ્યું છે કે, મારા જીવનમાં આ બે મહિલાનું વિશેષ મહત્ત્વ છે. એમને મધર્સ ડેની ખૂબ ખૂબ શુભેચ્છા.

સ્પિનર યુઝવેન્દ્ર ચહલે પણ એની માતા સાથેની પોતાની તસવીરને સોશિયલ મિડિયા પર શેર કરી છે અને લખ્યું છે કે આ જગતમાં માતાનાં પ્રેમથી ચડિયાતો બીજો કોઈ પ્રેમ નથી.

ટેસ્ટ ટીમના ઓપનર મયંક અગ્રવાલે એના માતાને સંબોધીને પોતાના સંદેશમાં લખ્યું છે કે, જિંદગીમાં સારા સમયમાં અમને હસતા રાખવા બદલ અને કઠિન સમયમાં સંભાળ રાખવા આપનો આભાર. તમારા વગર અમે કરી પણ શું કરવાના હતા? આજે હું જે કંઈ પણ છું અને જે કંઈ બનવાની આશા રાખું છું એનો શ્રેય મારા માતાને જાય છે. હેપ્પી મધર્સ ડે.

બેટ્સમેન કે.એલ. રાહુલે પોતાના સંદેશામાં લખ્યું છે, હેપ્પી મધર્સ ડે મા, લવ યૂ.

ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીએ લખ્યું છે, મા – આ એવી વ્યક્તિ છે જે સંતાનોને જરાય થાક્યા વગર અને કોઈ શરત રાખ્યા વગર પ્રેમ આપે છે. માતૃત્ત્વ ધારણ કરનાર અને સંતાનોને સંભાળનાર તમામ મહિલાઓને હેપ્પી મધર્સ ડે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]