મુંબઈઃ ભારતીય ક્રિકેટર શિખર ધવને IMG રિલાયન્સ કંપની સાથે જાગતિક માર્કેટિંગ અને મેનેજમેન્ટ માટેનો એક્સક્લુઝિવ કરાર કર્યો છે.
ધવને જણાવ્યું છે કે IMG રિલાયન્સ કંપની ભારતમાં જે લાવે છે એ અદ્દભુત અને અનોખું હોય છે. અનેક પ્લેટફોર્મ્સ પર કુશળતા ધરાવતી આ કંપની સાથે ભાગીદારી કરવામાં હું અત્યંત રોમાંચનો અનુભવ કરું છું. હું મારા ક્રિકેટ ખેલ ઉપર તો ધ્યાન આપવાનું ચાલુ જ રાખીશ અને દેશને ખ્યાતિ અપાવતો રહીશ, સાથોસાથ મને લાગે છે કે IMG રિલાયન્સમાં મારી જે નવી ટીમ છે એ મારી ટેલેન્ટને વધારવામાં મને મદદ કરશે.
2016માં ટેલેન્ટ મેનેજમેન્ટ વિભાગ શરૂ કર્યો છે ત્યારથી IMG રિલાયન્સનું બળ વધી ગયું છે. એણે રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, શ્રેયસ ઐયર જેવા ખેલાડીઓને કરારબદ્ધ કર્યા છે.
ધવન વર્તમાન ભારતીય ટીમના ટેલેન્ટેડ અને પ્રભાવશાળી ખેલાડીઓમાંનો એક છે. મર્યાદિત ઓવરોવાળી ક્રિકેટમાં એ ઢગલાબંધ રન કરી ચૂક્યો છે. એ અત્યાર સુધીમાં 45ની સરેરાશ સાથે લગભગ 6,000 રન બનાવી ચૂક્યો છે.
34 વર્ષીય ધવન અત્યાર સુધીમાં 34 ટેસ્ટ મેચ, 136 વન-ડે ઈન્ટરનેશનલ્સ મેચો રમી ચૂક્યો છે અને બંને ફોર્મેટ મળીને 8,000થી વધારે રન બનાવ્યા છે.
IMG રિલાયન્સના ટેલેન્ટ એન્ડ સ્પોન્સરશિપ વિભાગના વડા નિખિલ બર્ડિયાએ જણાવ્યું છે કે, શિખરમાં ખૂબ ટેલેન્ટ અને વ્યક્તિત્ત્વ ધરાવે છે. ક્રિકેટ સાથે એનો આ અનોખો સંયોગ અમને એક બ્રાન્ડનું ઘડતર કરવામાં મદદરૂપ થશે. ભારતે અત્યાર સુધી હાંસલ કરેલા ઉત્તમ ક્રિકેટરો પૈકી શિખર સાથે કરાર કરવા બદલ અમે ખૂબ જ આનંદ અનુભવીએ છીએ.