કોરોના સામે લડવા ભારત-પાકિસ્તાનના ક્રિકેટરો સંગઠિત થયા

મુંબઈઃ કોરોના વાઈરસ રોગચાળો ફેલાતા આખું વિશ્વ હાલ સ્થગિત થઈ ગયું છે ત્યારે આ કપરાં સમયમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવા માટે રમતવીરો આગળ આવ્યાં છે અને એમનાથી બનતું દાન આપી રહ્યા છે. ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે જરૂરિયાતમંદોને મદદરૂપ થવા માટે પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફરિદી સાથે હાથ મિલાવ્યા છે.

યુવરાજ સિંહે આફરિદી અને એની બિનસરકારી સંસ્થા આફરિદી ફાઉન્ડેશનને ટેકો જાહેર કર્યો છે. યુવરાજે ટ્વીટ કરીને લખ્યું છે કે, હાલના કટોકટીભર્યા સમયમાં કમનસીબ લોકોને મદદરૂપ થવા માટે ભેગા થવાની જરૂર છે. ચાલો આપણે પણ થોડીક મદદ કરીએ. હું શાહિદ આફરિદી અને એની સંસ્થા શાહિદ આફરિદી ફાઉન્ડેશને કોવિડ-19 સામેની લડાઈમાં આદરેલી ઉમદા પહેલને મારો ટેકો જાહેર કરું છું. પ્લીઝ donatekarona.com પર દાન આપજો.

આ જ રીતે ભૂતપૂર્વ ઓફ્ફ સ્પિનર હરભજન સિંહે પણ આફરિદીની પહેલની પ્રશંસા કરી છે. એણે ટ્વીટ કરીને લખ્યું છે કે માનવતા માટે શાહિદ આફરિદીનું આ મહાન કાર્ય છે. ભગવાનના આપણા સૌની ઉપર આશીર્વાદ રહે, વિશ્વનું કલ્યાણ થાય એવી પ્રાર્થના કરું છું.

શાહિદ આફરિદીએ પણ પોતાને ટેકો આપવા બદલ યુવરાજ સિંહ અને હરભજન સિંહનો આભાર માન્યો છે. આફરિદીની સંસ્થા પાકિસ્તાનમાં આ રોગચાળાને કારણે સૌથી ખરાબ અસરગ્રસ્ત વિસ્તારોમાં ખોરાક, જંતુનાશક દવાઓ તથા અન્ય આવશ્યક ચીજવસ્તુઓ પૂરા પાડી રહી છે.

યુવરાજ સિંહે એક વિડિયો સોશિયલ મિડિયા પર રિલીઝ કરીને જણાવ્યું છે કે આ સમયમાં સાથે રહેવું બહુ જ મહત્ત્વનું છે.

શાહિદ આફરિદીને ટેકો આપવા બદલ જોકે યુવરાજ અને હરભજન ઉપર ભારતમાં અનેક લોકો નારાજ થયા છે. ઘણા નેટયુઝર્સે સોશિયલ મિડિયા પર આ બંને ક્રિકેટરની ટીકા કરતા સંદેશા પોસ્ટ કર્યા છે.