સાનિયા મિર્ઝાએ જરૂરિયાતમંદોની મદદ માટે સવા કરોડ રૂપિયા એકત્ર કર્યાં

હૈદરબાદઃ કોરોના વાઈરસ સામે સમગ્ર દેશ લડી રહ્યો છે ત્યારે ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ પણ પોતાનું યોગદાન આપ્યું છે. એણે જરૂરિયાતમંદ લોકોની મદદ માટે રૂ. 1 કરોડ 25 લાખની રકમ એકત્ર કરી છે.

કોરોનાને ફેલાતો રોકવા માટે ભારતમાં 21-દિવસનું લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. એને કારણે અનેક ગરીબ, મજૂરો, કામદારો તથા બેઘર લોકો ફસાઈ ગયા છે.

સાનિયાએ આ સવા કરોડ રૂપિયાની રકમ એક જ સપ્તાહમાં એકત્ર કરી છે. આ ઉપરાંત એણે હજારો લોકોને ભોજન મળે એ માટે વ્યવસ્થા પણ કરાવી છે. આની જાણકારી એણે ટ્વિટર પર કરી છે.

એણે ટ્વીટમાં લખ્યું છેઃ જરૂરિયાતમંદ લોકોને સહાયતા પ્રદાન કરવા માટે અમે ગત્ સપ્તાહમાં એક ટીમના રૂપમાં કામ કર્યું હતું. અમે હજારો પરિવારોને ભોજન પ્રદાન કર્યું અને એક અઠવાડિયામાં 1.25 કરોડ રૂપિયા એકત્ર કર્યા. આ રકમ એક લાખ લોકોની મદદ કરશે. આ એક સતત પ્રયાસ છે અને અમે સૌ સાથે મળીને આવું કરી રહ્યાં છીએ.

સાનિયાએ રોજનું કામ કરીને પોતાનું પેટ ભરતા પણ કોરોના વાઈરસ ફેલાવાને કારણે નિઃસહાય સ્થિતિમાં આવી ગયેલા કામદારો-મજૂરોને ભોજન તથા અન્ય મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડવા માટે આ રકમ એકત્ર કરી છે.

લોકડાઉન અને કર્ફ્યૂને કારણે અનેક ઉદ્યોગ-ધંધા બંધ થઈ ગયા છે, પરિણામે દૈનિક પગાર પર નભતા લોકો તથા એમના પરિવારજનોની હાલત અત્યંત કફોડી થઈ ગઈ છે.

સાનિયાએ ગયા અઠવાડિયે એક વિડિયો પોતાના સોશિયલ નેટવર્ક પર શેર કર્યો હતો જેમાં તેણે ‘સફા ઈન્ડિયા’ સંસ્થાને મદદરૂપ થવા અને દાન આપવાનો સંકલ્પ જાહેર કર્યો હતો. આ કટોકટીના સમયમાં ગરીબ અને મુશ્કેલીમાં મૂકાઈ ગયેલા કામદારો માટે યોગદાન આપવાની લોકોને અપીલ કરી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]