‘ICC-પ્લેયર-ઓફ-ધ-મન્થ’ એવોર્ડ માટે શેફાલી, સ્નેહની ભલામણ

દુબઈઃ જૂન મહિના માટે ‘ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) પ્લેયર ઓફ ધ મન્થ’ એવોર્ડ માટે ભારતની મહિલા ક્રિકેટ ટીમની સભ્યો – શેફાલી વર્મા અને સ્નેહ રાણાનાં નામની ભલામણ કરવામાં આવી છે. હરિયાણાના રોહતકની રહેવાસી શેફાલી બેટ્સવુમન છે જ્યારે ઉત્તરાખંડના દેહરાદૂનની રહેવાસી સ્નેહ ઓલરાઉન્ડર છે. આ બંને ખેલાડીની હરીફાઈ છે ઈંગ્લેન્ડની ડાબોડી સ્પિનર સોફી એક્લીસ્ટોન સામે, જેનું નામ પણ એવોર્ડ માટે સૂચવાયું છે. 17-વર્ષની આક્રમક બેટ્સવુમન શેફાલીએ ઈંગ્લેન્ડ સામે તેની કારકિર્દીની પહેલી જ ટેસ્ટમાં જોરદાર દેખાવ કર્યો હતો અને પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીત્યો હતો. એણે બંને દાવમાં હાફ સેન્ચુરી ફટકારી હતી. ડેબ્યૂ ટેસ્ટમાં આ સિદ્ધિ હાંસલ કરનાર એ પહેલી જ ભારતીય અને દુનિયાની ચોથી ખેલાડી છે. ઈંગ્લેન્ડ સામેની તે એકમાત્ર ટેસ્ટ મેચમાં શેફાલીએ પહેલા દાવમાં 96 અને બીજા દાવમાં 63 રન કર્યા હતા. ઓલરાઉન્ડર સ્નેહ રાણાએ અણનમ 80 રન કર્યા હતા અને બોલિંગમાં ચાર વિકેટ પણ લીધી હતી.

પુરુષ ખેલાડીઓની કેટેગરીમાં, આ એવોર્ડ માટે ન્યૂઝીલેન્ડના બેટ્સમેન ડેવોન કોન્વે, ફાસ્ટ બોલર કાઈલ જેમીસન અને સાઉથ આફ્રિકાના વિકેટકીપર-બેટ્સમેન ક્વિન્ટન ડી કોકનું નામ સૂચવાયું છે.