પેસ-ભૂપતિની ટેનિસ-સફરને ફિલ્મ રૂપે ઝી-5 પર રજૂ કરાશે

મુંબઈઃ બોલીવુડમાં આજકાલ ખેલકૂદ ક્ષેત્રની જાણીતી હસ્તીઓની બાયોપિક ફિલ્મ અને સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મોનું ચલણ વધી ગયું છે. નિર્દેશિકા અશ્વિની ઐયર તિવારી અને એમનાં પતિ નિતેશ તિવારી પણ સ્પોર્ટ્સ વિષય પર આધારિત ફિલ્મ બનાવી ચૂક્યાં છે. તેઓ એક વધુ ફિલ્મ બનાવવાનાં છે. હવે તેઓ દેશના ખ્યાતનામ ટેનિસ ખેલાડીઓ અને જોડી તરીકે પ્રખ્યાત થયેલા લિએન્ડર પેસ અને મહેશ ભૂપતિની ટેનિસ સફર પર આધારિત ફિલ્મ બનાવવાના છે. એના શીર્ષકની તેમણે હજી જાહેરાત નથી કરી,, પરંતુ આ ફિલ્મને તેઓ OTT પ્લેટફોર્મ ZEE5 પર રિલીઝ કરવાના છે. તિવારી દંપતી એમની પ્રોડક્શન કંપની ‘અર્થ એન્ડ સ્કાઈ’ના બેનર હેઠળ આ ફિલ્મ બનાવશે.

લિએન્ડર પેસ ખેલ રત્ન એવોર્ડથી સમ્માનિત છે. એમણે ઓલિમ્પિક્સમાં પણ ભારતને જીત અપાવી છે. મહેશ ભૂપતિ નિવૃત્ત પ્રોફેશનલ ખેલાડી છે. એમણે તેમની કારકિર્દીમાં એશિયન ગેમ્સ, ગ્રેન્ડ સ્લેમ અને કોમનવેલ્થ ગેમ્સ જીતી છે. આ બંને ખેલાડીએ સાથે મળીને ડબલ્સના ત્રણ આંતરરાષ્ટ્રીય ખિતાબ હાંસલ કર્યા છે. બંનેની જોડી તમામ ગ્રેન્ડસ્લેમ સ્પર્ધાઓની ફાઈનલમાં પહોંચનાર પહેલી મેન્સ ડબલ્સ જોડી છે. તેઓ ઓલિમ્પિક્સમાં સાથે રમી ચૂક્યા છે.