ક્રાઈસ્ટચર્ચઃ પુરુષ ક્રિકેટરો માટે નવા રિલીઝ કરાયેલા ફ્યૂચર ટુર પ્રોગ્રામ્સ (એફટીપી) શેડ્યૂલમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) સ્પર્ધા માટે બે-મહિના લાંબી વિન્ડો (અવકાશ) ફાળવવાના ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ના નિર્ણયને ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર સ્કોટ સ્ટાઈરિસે સમર્થન આપ્યું છે.
વર્ષ 2023-2027 માટેના નવા એફટીપી અનુસાર, આઈસીસી સાથે સંપૂર્ણ સભ્યપદ ધરાવનાર દેશોની ટીમ કુલ મળીને 777 આંતરરાષ્ટ્રીય મેચો રમશે. આમાં 173 ટેસ્ટ મેચ, 281 વન-ડે ઈન્ટરનેશનલ અને 323 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો હશે. હાલની એફટીપી સાઈકલમાં 694 મેચો છે. આમ, આગામી શેડ્યૂલમાં મેચોની સંખ્યા વધારવામાં આવી છે. દર વર્ષે આઈપીએલ રમાતી હશે એ સમયગાળા દરમિયાન (બે મહિના માટે) આઈસીસી દ્વારા કોઈ પણ પ્રકારની ટુર્નામેન્ટ કે દ્વિપક્ષી શ્રેણી યોજશે નહીં.
સ્ટાઈરિસે સ્પોર્ટ્સ-18 ચેનલના એક શોમાં કહ્યું કે, આઈપીએલની વિન્ડો (અવકાશ)નું વિસ્તરણ કરવું જોઈએ એવું હું 10 વર્ષ પહેલાં બોલ્યો હતો અને આજે જ્યારે આઈસીસીએ નિર્ણય લીધો છે ત્યારે હું એનું સમર્થન કરું છું.
ટ્વેન્ટી-20 મેચોની લોકપ્રિયતાને કારણે 50-ઓવરોવાળી ફોર્મેટના ભાવિ વિશે બોલતાં સ્ટાઈરિસે કહ્યું કે, એનું ભાવિ પડકારજનક છે. મેં તો વન-ડે ક્રિકેટ રમવાનો બહુ જ આનંદ માણ્યો હતો. વન-ડે ક્રિકેટમાં અનેક પ્રકારનાં ગુણ છે. તેથી એનો રસ માત્ર વર્લ્ડ કપ પૂરતો નહીં, પણ એનાથી વધારે પ્રમાણમાં જળવાઈ રહેશે તો મને આનંદ થશે.