મુંબઈઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ વેસ્ટ ઈન્ડિઝ ખાતેના આગામી પ્રવાસ માટે દેશની ટેસ્ટ અને મર્યાદિત ઓવરોની શ્રેણીઓ માટેની ટીમ જાહેર કરી દીધી છે. પરંતુ એમાં એક એવા ખેલાડીની પસંદગી કરવામાં આવી નથી, જે તાજેતરમાં જોરદાર ફોર્મમાં રમ્યો હતો. આ ખેલાડી છે સરફરાઝ ખાન. મુંબઈનિવાસી આ વિકેટકીપર-બેટ્સમેન પોતાની અવગણનાથી ક્રિકેટ બોર્ડ પર નારાજ થયો છે. ઉલ્લેખનીય છે કે, વેસ્ટ ઈન્ડિઝ ખાતેના લાંબા પ્રવાસ માટે ઘણા નવા અને યુવા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે, પણ સરફરાઝ ખાન પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવ્યું છે.
સરફરાઝે આની હૈયાવરાળ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં કાઢી છે. એણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વિડિયો શેર કર્યો છે, જે 45 સેકંડનો છે. આ વિડિયોમાં સરફરાઝની બેટિંગ હાઈલાઈટ્સ જોઈ શકાય છે. આમાં તેણે બેકગ્રાઉન્ડમાં ‘મંજર હૈ’ ગીત વાગતું મૂક્યું છે અને કેપ્શનમાં ‘વન લવ’ એવું લખ્યું છે.
તેણે એક વધુ ફોટો પણ મૂક્યો છે જેમાં ‘લક્ષ્ય તો હર હાલ મેં પાના હૈ’ ગીતની કડી લખી છે.
સરફરાઝ ખાને પ્રથમ શ્રેણીની મેચોમાં ઘણો સારો દેખાવ કર્યો છે. એણે કુલ 37 મેચોમાં 79.65ની સરેરાશ સાથે 3,505 રન કર્યા છે. એણે 13 સેન્ચૂરી અને 9 અડધી સેન્ચુરી ફટકારી છે.
સરફરાઝની પસંદગી વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ન કરાતાં દંતકથા સમાન બેટર સુનીલ ગાવસકરે પણ નારાજગી વ્યક્ત કરી છે. એમણે કહ્યું છે કે, ‘સરફરાઝે રણજી ટ્રોફીની છેલ્લી ત્રણ મોસમમાં લગભગ 100ની સરેરાશ સાથે રન કર્યા છે. રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવવા માટે એણે આનાથી વધારે શું કરવું પડશે? ટીમમાં એની પસંદગી કરવી જોઈતી હતી.’
ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝમાં બે ટેસ્ટ મેચ, 3 વન-ડે ઈન્ટરનેશનલ મેચ અને પાંચ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની શ્રેણીઓ રમવાની છે. ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ 12 જુલાઈથી ડોમિનિકા ટાપુના રોસો શહેરના વિન્ડસર પાર્ક મેદાન પર અને બીજી તથા આખરી ટેસ્ટ મેચ 24 જુલાઈથી પોર્ટ ઓફ સ્પેન (ટ્રિનિડાડ)ના ક્વીન્સ પાર્ક ઓવલ મેદાન પર રમાશે. ત્યારબાદ બંને ટીમ 27, 29 જુલાઈ અને 1 ઓગસ્ટે અનુક્રમે વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમશે. પહેલી બે મેચ બાર્બેડોસના બ્રિજટાઉનના કેન્સિંગ્ટિન ઓવલ મેદાન પર રમાશે અને ત્રીજી મેચ ટ્રિનિડાડના ટેરોબાના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાશે. તે પછી બંને ટીમ 3, 6, 8, 12, 13 ઓગસ્ટે પાંચ ટ્વેન્ટી-20 મેચ રમશે, જેમાં પહેલી મેચ ટ્રિનિડાડના લારા સ્ટેડિયમમાં, બીજી અને ત્રીજી મેચ ગયાનાના પ્રોવિડેન્સ સ્ટેડિયમમાં, ચોથી અને પાંચમી મેચ અમેરિકાના ફ્લોરિડાના લોડરહિલના સેન્ટ્રલ બ્રોવર્ડ રીજનલ પાર્ક સ્ટેડિયમમાં રમાશે.
ટેસ્ટ ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, કે.એસ. ભરત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જયદેવ ઉનડકટ અને નવદીપ સૈની.
ODI ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જયદેવ ઉનડકટ, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક અને મુકેશ કુમાર.
