‘ભારતનો ઉસેન બોલ્ટ’ કહેવાયેલો રામેશ્વર ગુર્જર ટ્રાયલ દોડમાં છેલ્લો આવ્યો

ભોપાલ – 100 મીટરનું અંતર 11 સેકંડમાં દોડ્યા બાદ જેનો વિડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો હતો અને જેની ગણના ભારતના ઉસેન બોલ્ટ તરીકે કરવામાં આવી રહી છે તે મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લાનો વતની રામેશ્વર ગુર્જર આજે યોજવામાં આવેલી એક ટ્રાયલ દોડમાં સૌથી છેલ્લો આવ્યો હતો.

આ ટ્રાયલ દોડનું આયોજન ભોપાલના ટી.ટી. નગર સ્ટેડિયમમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના વરિષ્ઠ પ્રશિક્ષકો તથા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું.

રામેશ્વર આ દોડમાં 12.88 સેકંડ સાથે છેલ્લો આવ્યો હતો. પ્રથમ આવનાર આયુષ તિવારીએ 10.85 સેકંડનો સમય નોંધાવ્યો હતો.

કેન્દ્રીય સ્પોર્ટ્સ પ્રધાન કિરન રિજીજુએ તે દોડનો વિડિયો એમના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. એ વિડિયોમાં રામેશ્વરને એકદમ ડાબી બાજુએ – છેલ્લી લેનમાં દોડતો જોઈ શકાય છે.

રિજીજુનું માનવું છે કે ઈન્ટરનેટ પર મળેલી વ્યાપક પ્રસિદ્ધિના ઝગમગાટને કારણે રામેશ્વર કદાચ દબાણ હેઠળ આવી ગયો છે તેથી નર્વસ થઈ જતાં આજે સારો દેખાવ કરી ન શક્યો. પરંતુ અમે એને યોગ્ય સમયે ફરી મોકો આપીશું અને એને તાલીમ પણ આપીશું.

19 વર્ષીય અને મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લાના નરવાર ગામના કિસાન પરિવારનો રામેશ્વર ગુર્જર આ પહેલી જ વાર ટ્રાયલ દોડમાં દોડ્યો હતો.

રામેશ્વરને દોડતો બતાવતો પહેલો વિડિયો મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે ટ્વિટર પર પોસ્ટ કર્યો હતો.

એ વિડિયો વાયરલ થયો હતો અને ત્યારબાદ કિરન રિજીજુએ કહ્યું હતું કે એ છોકરાને કોઈ અમારી પાસે લઈ આવો, અમે એમને તાલીમ આપીશું.

ત્યારબાદ રામેશ્વરની પરીક્ષા કરવા માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ભોપાલસ્થિત સેન્ટરમાં ટ્રાયલ રનનું આયોજન કરવામાં આવ્યું હતું.

રામેશ્વરે અગાઉ પત્રકારોને કહ્યું હતું કે પોતાને જો યોગ્ય પ્રકારે તાલીમ આપવામાં આવે તો એ જમૈકાના ઓલિમ્પિક ગોલ્ડમેડલિસ્ટ રનર અને દુનિયાના સૌથી ઝડપી પુરુષ દોડવીર ઉસેન બોલ્ટનો વિક્રમ તોડી શકે છે.

ઉલ્લેખનીય છે કે બોલ્ટે 100 મીટરની દોડ 9.58 સેકંડમાં પૂરી કરીને વિશ્વવિક્રમ ધરાવે છે.