રાજ્યભરના નર્સિંગ સ્ટાફે રિવરફ્રન્ટ પર યોજી મહારેલી, કારણ હતું આ…

0
2279

અમદાવાદઃ સરકારી કર્મચારીઓને પોતાની ન્યાયી માગણીઓ અંગે ગાંધીચીંધ્યા રાહે અવાજ ઉઠાવવા માટે રેલીના આયોજનનું માધ્યમ ઘણું સબળ માનવામાં આવે છે. અમદાવાદમાં ગુજરાતભરના નર્સિંગ એસોસિએશનો દ્વારા યુનાઈટેડ નર્સિસ ફોરમના નેજા હેઠળ આજે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની સેવામાં રાતદિવસ ખપાવતાં સરકારી નર્સિંગ કર્મચારીઓની કેટલીક માગણીઓ લાંબા સમયથી પડતર છે. ત્યારે ફરી એકવાર પોતાના પડતર મુદ્દાઓ સરકારના બહેરા કાને અથડાય તેવા હેતુથી આ શાંતિપૂર્ણ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી સાબરમતી રિવરફ્રન્ટથી લઈ કલેક્ટર કચેરી સુધી યોજાઈ હતી.રેલી શાંતિપૂર્ણ માહોલમાં કલેક્ટર કચેરી પહોંચીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે તમામ કર્મચારીઓ રજા મૂકીને આ કાર્યક્રમમાં જોડાયાં હતાં. તેથી સંબંધિત હોસ્પિટલોમાં દર્દીઓને હાલાકી ન પડે તે માટે પૂરતો સ્ટાફ ઉપલબ્ધ રાખવામાં આવ્યો હતો.