પેટીએમની ચેતવણી: આ એપ સફાચટ કરી શકે છે તમારું બેંક બેલેન્સ

નવી દિલ્હી- સ્માર્ટફોન યૂઝર્સ માટે Paytm એ ચેતવણી જાહેર કરી છે. જો તમે પેટીએમનો ઉપયોગ કરી રહ્યા છો અને એકાઉન્ટ KYC કરાવી રહ્યા છો તો, તમારે વઘુ સતર્ક રહેવાની જરૂર છે. પેટીએમ દ્વારા એક નોટિફિકેશન જાહેર કરી યૂઝર્સ કેવાઈસી માટે એનીડેસ્ક અથવા ક્વિકસ પોર્ટ જેવી એપ ડાઉનલોડ નહીં કરવાની સલાહ આપી છે.

Paytmના નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, જો તમે KYC કરવા માટે ઉપર આપેલી એપ્લિકેશનો પ્રયોગ કરી રહ્યા છો તો, છેતરપીંડિ કરનારા લોકો તમારા એકાઉન્ટમાંથી નાણાંની ચોરી કરી શકે છે. હાલમાં જ રિમોટ એપ જેવી એની ડેસ્ક અને ટીમ વ્યૂઅર દ્વારા કરવામાં આવેલા કેટલાક છેતરપીંડિના મામલા સામે આવ્યાં છે.

આ વર્ષની શરુઆતમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પણ લોકોને આ પ્રકારની એપથી સાવધાન રહેવાની ચેતાવણી જાહેર કરી હતી. મામલાની ગંભીરતાને જોતા દેશની પ્રમુખ બેંકો HDFC, ICICI અને એક્સિસ બેંકે પણ ગ્રાહકોને આ પ્રકારની એપ ડાઉનલોડ નહીં કરવાની સલાહ આપી હતી.

દિલચસ્પ વાત એ છે કે, આ રિમોટ એપ ન તો ભ્રામક છે અને ન તો આ એપ યૂઝર્સની ડીટેલ લીક કરે છે. આઈટી સેક્ટર માટે આ બંન્ને એપ કામની છે. આ એપની મદદથી ટેકનોલોજી પ્રોફેશનલ્સ ગમે તે સ્થળ પર બેસીને ઈન્ટરનેટ મારફતે અન્ય લોકેશન પર એક્ટીવ ડિવાઈસને ઓપરેટ કરી શકે છે. આ રિમોટ એપને સરળભાષામાં સ્ક્રીન શેરીંગ એપ પણ કહેવામાં આવે છે.

છેતરપીંડિ કરનાર આ મામલે લોકોને ફસાવવા માટે બોગસ બેંક એક્ઝિક્યૂટિવ બનીને ફોન કરે છે. ફોન પર વાતચીત દરમિયાન એ ગ્રાહકોને બેંક એકાઉન્ટ સંબંધિત મુશ્કેલીઓ અંગે જણાવે છે. ફ્રોડસ્ટર્સ લોકોને એમ કહીને પણ ડરાવે છે કે, તેમના દ્વારા જણાવેલા સ્ટેપ્સને ફોલો ન કરવા પર નેટ બેંકિંગની સુવિધા બ્લોક થઈ શકે છે. બ્લોક થવાની વાત સાંભળતાની સાથે જ મોટાભાગના ગ્રાહકો આ ફ્રોડસ્ટર્સની જાળમાં ફસાઈ જાય છે.

ગ્રાહકોને પોતાની જાળમાં ફસાવ્યા બાદ આ સાયબર ઠગ તેમને ગ્રાહકોને રિમોટ એપ ઈન્સ્ટોલ કરવા કહે છે. એપ ઈન્સ્ટોલ કર્યા બાદ તે એમના શિકાર પાસેથી વેરિફિકેશન માટે 9 આંકડાના કોડની માગ કરે છે. આ એ જ કોડ છે જેની મદદથી ફ્રોડસ્ટર્સ ગ્રાહકોના ડિવાઈસનો સંપૂર્ણ એક્સેસ મેળવી લે છે. ત્યારબાદ તે ડિવાઈસની સ્ક્રીનને સતત મોનિટર કરે છે.

આ લોકો તમારા સ્માર્ટફોન સ્ક્રીનની દરેક એક્ટિવિટી પોતાના પાસે રેકોર્ડ રાખે છે. એપ ડાઉનલોડ કર્યા બાદ જ્યારે પણ ગ્રાહક મોબાઈલ બેંકિંગ, પેટિએમ કે UPI મારફતે પેમેન્ટ કરે ત્યારે તેમની લોગ ઈન માહિતીને આ છેતરપીંડિ કરનારા લોકો સરળતાથી ચોરી લે છે.

આ રીતે કોઈ પ્રકારની ઓનલાઈન છેતરપીંડિથી બચવા માટે જરૂરી છે કે, કોઈ પણ રિમોટ ડેસ્ટોપ એપના કાર્ય વિશેની સંપૂર્ણ માહિતી તમારી પાસે ન હોય ત્યાં સુધી ડાઉનલોડ કે ઈન્સ્ટોલ ન કરવી. એક વાત હંમેશા યાદ રાખો કે, કદી પણ કોઈ બેંક તેના ગ્રાહકોને ફોન કરીને કોઈ એપ ડાઉનલોડ કરવા નથી કહેતી.