મેડ્રિડઃ ફૂટબોલ રમતના સુપરસ્ટાર ક્રિસ્ટીઆનો રોનાલ્ડોની માત્ર એક જ હરકતે કોકા-કોલા કંપનીને 4 અબજ ડોલર (આશરે 293 અબજ રૂપિયા)ની માર્કેટ છીનવી લીધી છે. પોર્ટુગલ સોકર ટીમનો કેપ્ટન રોનાલ્ડો હાલમાં જ પોર્ટુગલ અને હંગેરી વચ્ચેની મેચ પૂર્વેની એક પત્રકાર પરિષદ વખતે એના ટેબલ પર મૂકાયેલી કોકા-કોલા કોલ્ડ ડ્રિન્કની બે બોટલ જોઈને ભડકી ગયો હતો અને તેણે બંને બોટલને હટાવી દીધી હતી અને તેને બદલે સાદું પાણી ભરેલી બોટલ પસંદ કરી હતી. તેની એ હરકતને કારણે કોકા-કોલાને કરોડો નહીં, અબજો રૂપિયાનું નુકસાન ગયું છે. ઉલ્લેખનીય છે કે કોકા-કોલા કંપની હાલ રમાઈ રહેલી યૂરો-2020 સ્પર્ધાની સ્પોન્સર છે. આ સ્પર્ધામાં પોર્ટુગલ ટીમનું સુકાન રોનાલ્ડો સંભાળી રહ્યો છે.
સ્પેનિશ અખબાર માર્કાના અહેવાલ મુજબ, રોનાલ્ડોની તે હરકત બાદ શેરબજારમાં કોકા-કોલાનો શેર ઊંધે માથે પછડાયો છે અને કંપનીને અબજો રૂપિયાનું નુકસાન ગયું છે. કોકા-કોલાનો શેર 56.10 ડોલરથી ગબડીને 55.22 ડોલરનો થયો હતો. મતલબ કે કંપનીની માર્કેટ વેલ્યૂ 242 અબજ ડોલરથી ઘટીને 238 અબજ ડોલર થઈ ગઈ છે. કોકા-કોલાને આ ખોટ માત્ર અડધા જ કલાકમાં ગઈ હતી.
રોનાલ્ડોએ ન તો કોઈપણ પ્રકારનો સોદો તોડ્યો છે, કે ન તો એણે કોઈ કંપનીને દગો આપ્યો છે. એણે તો ફક્ત કોકા-કોલા સોફ્ટ ડ્રિંકની બોટલને પોતાના ટેબલ પરથી 3-4 ફૂટ દૂર હડસેલી દીધી હતી. Serie A સ્પર્ધામાં રોનાલ્ડો જુવેન્ટસ ટીમ વતી રમે છે. દુનિયામાં હાલના બે ટોચના ફૂટબોલરોમાંનો તે એક છે. બીજો છે આર્જેન્ટિનાનો લિયોનેલ મેસ્સી.