BCCI એ સ્પિનર અંકિત ચવ્હાણ પરનો પ્રતિબંધ દૂર કર્યો

મુંબઈઃ BCCIએ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2013માં સ્પોટ ફિક્સિંગ માટે સ્પિન બોલર અંકિત ચવ્હાણ પર લગાવેલો પ્રતિબંધ દૂર કર્યો છે. જેથી તે હવે ક્રિકેટ મેચ રમી શકશે. એક સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે BCCIએ આ ક્રિકેટર પરથી પ્રતિબંધ દૂર કર્યો છે. જોકે ક્રિકેટ બોર્ડે પ્રતિબંધને દૂર કરવા માટે સત્તાવાર નિવેદન જારી નથી કર્યું.

અંકિતની વર્ષ 2013માં IPL મેચમાં સ્પોટ ફિક્સિંગ મામલે ધરપકડ કરવામાં આવી હતી. અંકિતની સાથે સ્ટાર બોલર શ્રીવત્સ શ્રીસંત અને અજિત ચંદેલાને પણ દિલ્હી પોલીસે હિરાસતમાં  લીધો હતો. આ ત્રણે ક્રિકેટરો IPLમાં રાજસ્થાન રોયલ્સ વતી રમતા હતા. ધરપકડ પછી અંકિત અને શ્રીસંત પર BCCIએ આજીવન પ્રતિબંધ લગાવી દીધો હતો.

એ પછી આ કેસની સુનાવણી ચાલી રહી હતી અને છેવટે જુલાઈ, 2015માં હાઇકોર્ટે આ ક્રિકેટરોને સ્પોટ ફિક્સિંગના આરોપોમાં ક્લીનચિટ આપી હતી. તેમ છતાં BCCIએ આ ક્રિકેટરો પર પ્રતિબંધ  જારી રાખ્યો હતો, પણ શ્રીસંતે હાર નહોતી માની અને પોતાનો સંઘર્ષ જારી રાખ્યો હતો. છેવટે ગયા વર્ષે BCCIએ આ બોલર પરનો પ્રતિબંધ દૂર કર્યો હતો. આ પ્રતિબંધ દૂર થયા પછી શ્રીસંત ક્રિકેટમાં પરત ફર્યો હતો અને તેણે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં રમતો જોવા મળ્યો હતો.