પોર્ટુગલઃ દિગ્ગજ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તે પેનલ્ટી પર ગોલ કરવાથી ચૂકી ગયો હતો, પરંતુ વિશ્વ ક્વોલિફાઇંગ ગ્રુપ-Aમાં આયર્લેન્ડ પર પોર્ટુગલ 2-1થી જીતમાં બે ગોલ કરીને પુરષ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં સૌથી વધુ ગોલ કરવામાં સફળ રહ્યો હતો. રોનાલ્ડો 89મી મિનિટમાં 110મો ગોલ કરતાં પોર્ટુગલને બરાબરી અપાવી હતી. તેણે ઇરાનના ભૂતપૂર્વ સ્ટ્રાઇકર અલી દેઈના પુરુષ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં સૌથી વધુ ગોલનો રેકોર્ડ તોડ્યો હતો. રોનાલ્ડોએ એ પછી સ્ટોપેજ સમયમાં 180મી મેચમાં 111મો ગોલ કરીને આયર્લેન્ડના પ્રશંસકોનું દિલ તોડ્યું હતું અને પોર્ટુગલની જીત પાકી કરી હતી.
રોનાલ્ડોએ મેચ પછી કહ્યું હતું કે હું બહુ ખુશ છું, માત્ર એટલા માટે નહીં કે મેં રેકોર્ડ તોડ્યો છે. પણ એ માટે જે ખાસ પળો અમને મળી છે. મેચની અંતિમ પળોમાં બે ગોલ કરવા મુશ્કેલ હોય છે, પણ ટીમે જે કર્યું એની પ્રશંસા કરવી પડશે. અમે છેલ્લે સુધી ધીરજ નહોતી ગુમાવી.
તેણે માન્ચેસ્ટર યુનાઇટેડમાં પરત ફરવાના નિર્ણયને સૌથી સારો ગણાવ્યો હતો, જોકે માન્ચેસ્ટર યુનાઇટેડમાં સામેલ થવા માટે પરત ફરેલા રોનાલ્ડોએ હજી પણ આંતરરાષ્ટ્રીય સ્કોરરથી 76 ગોલ પાછળ છે. રોનાલ્ડો માટે મેચની શરૂઆત સારી નહોતી રહી અને આયર્લેન્ડના ગોલકીપર ગેવિન બજુનુએ 15મી મિનિટમાં તેની પેનલ્ટી કિક અટકાવી દીધી હતી. રોનાલ્ડોએ 2004 યુરોપિયન ચેમ્પિયનશિપમાં પોર્ટુગલે પહેલો ગોલ કર્યો હતો, ત્યારે ગેવિન માત્ર બે વર્ષનો હતો.