ટીમ-ઈન્ડિયાનો વાઈસ-કેપ્ટન કોણ? નિર્ણય રોહિત શર્મા પર છોડાયો

મુંબઈઃ કે.એલ. રાહુલનો બેટિંગ દેખાવ કંગાળ ચાલુ રહેતાં ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે હાલ ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી રમતી ભારતીય ટીમના વાઈસ-કેપ્ટન પદેથી એની હકાલપટ્ટી કરી દીધી છે. જોકે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીની બાકીની બે ટેસ્ટ મેચના સભ્ય તરીકે એને ચાલુ રાખ્યો છે. એ સિવાય ટીમમાં કોઈ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. છેલ્લી અનેક ટેસ્ટ મેચોમાં રાહુલ બેટિંગમાં સરિયામ નિષ્ફળ રહ્યો છે. એ ટોપ બેટિંગ-ઓર્ડરમાં હોય છે, પણ કાયમ જલદી આઉટ થતાં અન્ય બેટર્સ પર બોજ આવી જતો હોય છે.

રોહિત શર્માના સુકાનીપદ હેઠળ ભારતીય ટીમે નાગપુર અને દિલ્હીમાં પહેલી બે ટેસ્ટ મેચ જીતીને 2-0ની અપરાજિત સરસાઈ પ્રાપ્ત કરી લીધી છે. આ સાથે ભારતે બોર્ડર-ગાવસકર ટ્રોફી પોતાની પાસે જાળવી રાખી છે. ત્રીજી ટેસ્ટ મેચ 1 માર્ચથી ઈન્દોરમાં રમાશે. ચોથી અને શ્રેણીની આખરી ટેસ્ટ 9 માર્ચથી અમદાવાદમાં રમાશે.

ઉપ-કપ્તાનપદેથી રાહુલની હકાલપટ્ટી કરાયા બાદ એ પદ કોની નિયુક્તિ કરાશે એ સવાલ હાલ સર્વત્ર પૂછવામાં આવી રહ્યો છે. એક સૂત્રનું કહેવું છે કે વાઈસ-કેપ્ટન કોને બનાવવો એ નિર્ણય હજી સુધી લેવામાં આવ્યો નથી. પરંતુ, મેચ દરમિયાન રોહિત જ્યારે મેદાન પર ન હોય ત્યારે ટીમનું સુકાન કોણે સંભાળવું એ નિર્ણય રોહિતે જ લેવાનો રહેશે.

ઓપનર તરીકે રાહુલ સતત ફ્લોપ રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં એણે ટીમ વતી કોઈ મોટી ઈનિંગ્ઝ ખેલી નથી. એણે એકેય ટેસ્ટના દાવમાં હાફ સેન્ચુરી ફટકારી નથી. છેલ્લી પાંચ ટેસ્ટમાં એ 23 રનથી વધારે રન બનાવી શક્યો નથી. છેલ્લે એણે 2022ના જાન્યુઆરીમાં ટેસ્ટ દાવમાં હાફ સેન્ચુરી ફટકારી હતી. તે મેચ હજી જોહનિસબર્ગમાં દક્ષિણ આફ્રિકા સામેની. ત્યારપછી એ સતત ફ્લોપ રહ્યો છે.