મુંબઈઃ નવા વર્ષના જાન્યુઆરીમાં રણજી ટ્રોફીની મેચો શરૂ થવાની છે, ત્યારે રણજી ટ્રોફીની પહેલી બે મેચોમાં ઓપનિંગ બેટ્સમેન પૃથ્વી શોને મુંબઈનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. શોએ પાંચ ટેસ્ટ રમી છે, જેમાં તેણે ડેબ્યુ ઇનિંગ્સમાં એક સદી સાથે 339 રન બનાવ્યા હતા. શોએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 51 ઇનિંગ્સમાં નવ સદી સાથે કુલ 2414 રન બનાવ્યા છે. આ સાથે સચિનના પુત્ર અર્જુન તેન્ડુલકરને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
પૃથ્વી એક હોશિયાર કેપ્ટન અને આક્રમક ઓપનિંગ બેટ્સમેન છે, એમ મુંબઈના ચીફ સિલેક્ટર સલિલ અંકોલાએ કહ્યું હતું. આ સાથે યુવા ઓપનર યશસ્વી જયસ્વાલ, મધ્ય હરોળનો બેટ્સમેન સરફરાઝ ખાન, અરમાન ઝાફર અને આકર્ષિત ગોમેલે અનુભવી વિકેટકીપર આદિત્ય તારે સાથે 20 સભ્યોની ટીમમાં સ્થાન મેળવ્યું છે. આ સાથે ઓલ રાઉન્ડર શિવમ દુબે કે જેણે એક આંતરરાષ્ટ્રીય વનડે રમી છે અને 13 T20 મેચ રમી છે, તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગુલામ પાર્કર, સુનીલ મોરે, પ્રસાદ દેસાઈ અને આનંદ યાલ્વિગીનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
આ સાથે ટીમમાં બોલિંગ આક્રમણ માટે અનુભવી ધવલ કુલકર્ણી, મિડિયમ પેસર મોહિત અવસ્થી, લેફ્ટ સ્પિનર શમ્સ મુલાણી, ઓફ-સ્પિનર શશાંક અટાર્ડે અને લેફ્ટ આર્મ બોલર રોયસ્તાન ડાયસ અને આક્રમક ઓલ રાઉન્ડર અર્જુન તેંડુલકરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મુંબઈ 41 વાર રણજી ચેમ્પિયન બન્યું છે અને એને આ વખતે નવ ટીમોના એલિટ ગ્રુપ સીમાં રાખવામાં આવ્યું છે. એ પહેલી મેચ 13 જાન્યુઆરીએ મહારાષ્ટ્રની સામે રમશે.