કેપટાઉનઃ ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝની ત્રીજી અને છેલ્લી ટેસ્ટ મંગળવારે (11 જાન્યુઆરી)થી કેપટાઉનના ન્યુલેન્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ભારતે સેન્ચુરિયનમાં પહેલી ટેસ્ટ મેચ જીતીને સિરીઝમાં 1-0થી આગળ હતી, પરંતુ દક્ષિણ આફ્રિકાની ટીમે જોહાનિસબર્ગ ટેસ્ટ જીતીને સિરીઝ 1-1થી બરાબર કરી હતી. જોકે આ મેચમાં છેલ્લી બે ટેસ્ટ કરતાં વરસાદનું જોખમ ઓછું છે.
મોસમથી જોડાયેલી વેબસાઇટ એક્યુવેધર.કોમના જણાવ્યાનુસાર કેપટાઉનમાં ટેસ્ટ પહેલાં આકાશમાં વાદળાં છવાયેલાં રહેશે. અહીં પણ વરસાદની સંભાવના છે.ટેસ્ટના પહેલા દિવસે લન્ચ પહેલાંના સમય સુધી વરસાદને લીધે મેચમાં અડચણ આવી શકે છે, પણ એ પછી મોસમ સાફ રહેશે.
કેપટાઉનમાં 11 જાન્યુઆરીએ વરસાદ થવાની 64 ટકા સંભાવના છે. એ પછી બીજા અને ત્રીજા દિવસે વરસાદની સંભાવના બિલકુલ નથી. ચોથા દિવસે વરસાદની શક્યતા નહીંવત્ છે અને પાંચમા દિવસે વરસાદની શક્યતા 19 ટકા છે. મેચના પહેલા દિવસને છોડીને ચારે દિવસ મોસમ સાફ રહેશે.
કેપટાઉનમાં રમાયેલી 58 ટેસ્ટ મેચોમાં પહેલી ઇનિંગ્સમાં સરેરાશ સ્કોર 328 અને બીજી ઇનિંગ્સમાં 296 રન થયા છે. જોકે ત્રીજી ઇનિંગ્સમાં 235 અને ચોથી ઇનિંગ્સમાં 161 રન છે. અહીં વિકેટથી હંમેશાં બોલરોને મદદ મળી છે. ઝડપી બોલરો બેટ્સમેનોને વધુ પરેશાન કરી શકે છે. ન્યુલેન્ડ્સ મેદાન એક બાજુએથી પહાડોથી ઘેરાયેલું છે. બંને ટીમોની ટેસ્ટ મેચમાં ઝડપી બોલરોએ 124 વિકેટ અને સ્પિનર્સે 34 વિકેટ લીધી છે. અહીંની પિચ પર ટીમ ઇન્ડિયા મેચ ડ્રો કરવામાં સફળ થઈ છે, પણ એકે ટેસ્ટ જીતી નથી શકી.
