બીજી ટેસ્ટમેચઃ દક્ષિણ આફ્રિકાને જીત માટે 240નો-ટાર્ગેટ

જોહાનિસબર્ગઃ ત્રણ મેચની શ્રેણીની પહેલી ટેસ્ટ જીતીને 1-0થી આગળ રહેલી ભારતીય ક્રિકેટ ટીમે અહીં રમાતી બીજી ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાને જીત માટે 240 રનનો ટાર્ગેટ આપ્યો છે. આજે મેચના ત્રીજા દિવસે ભારતનો બીજો દાવ 266 રનમાં પૂરો થયો હતો. ભારત પર પહેલા દાવનું 27 રનનું ઋણ હતું. આમ, ગૃહ ટીમને જીત માટે મળ્યો 240 રનનો ટાર્ગેટ. બીજા દાવમાં ભારત અઢીસોનો આંક પાર કરી શક્યું એ માટે ટોપ ઓર્ડરના બે બેટ્સમેન – ચેતેશ્વર પૂજારા (53) અને અજિંક્ય રહાણે (58)ની હાફ સેન્ચુરીઓ, મિડલ ઓર્ડર બેટ્સમેન હનુમા વિહારીના અણનમ 40 રન અને 8મા ક્રમે આવેલા શાર્દુલ ઠાકુરે 24 બોલમાં ફટકારેલા 28 રન ખૂબ મદદરૂપ થયા. દક્ષિણ આફ્રિકાના ત્રણ ફાસ્ટ બોલર – કેગીસો રબાડા, લુન્ગી એનગીડી અને માર્કો જેન્સને વ્યક્તિગત 3-3 વિકેટ લીધી હતી.

(ડાબે) શાર્દુલ ઠાકુરે બેટિંગમાં 28 રનનો ફાળો આપ્યો. (જમણે) મારક્રમને ઠાકુરે લેગબીફોર આઉટ કર્યો

દક્ષિણ આફ્રિકાએ બીજા દાવમાં તેની પહેલી વિકેટ ગુમાવી હતી, દિવસના આખરી સત્રમાં, 47 રનના સ્કોર પર જ્યારે ઠાકુરે એઈડન મારક્રમ (31)ને લેગબીફોર આઉટ કર્યો હતો. ઠાકુરે પહેલા દાવમાં 7 વિકેટ ઝડપી હતી.