IPL-2022ની હરાજીઃ પાંચ ટીમોના નવા કેપ્ટનની રેસમાં કોણ?, જાણો…

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 15મી સીઝન આ વર્ષે એપ્રિલ-મેમાં રમાશે. આ IPL ટુર્નામેન્ટની મોટી લિલામીનું આયોજન ફેબ્રુઆરીમાં થવાનું છે. આ વખતે બે નવી ટીમો લખનઉ અને અમદાવાદ પણ T20માં વિશ્વની સૌથી મોટી લીગનો હિસ્સો હશે. જેથી આ વખતે ટુર્નામેન્ટમાં કુલ 10 ટીમોની વચ્ચે મેચો રમાશે. આ 10 ટીમોમાંથી પાંચના કેપ્ટન પહેલેથી જ છે અને બાકીની પાંચ ટીમોના કેપ્ટનની નિયુક્તિ શોધ જારી છે.

ચેન્નઇ સુપર કિંગ્સઃ ચાર વાર ચેમ્પિયન ટીમ ચેન્નઇ સુપરકિંગ્સ ફરી એક વાર મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં રમશે, પણ એવું માનવામાં આવી રહ્યું છે કે ધોની પછી જાડેજા ટીમ ટીમનું સુકાન સંભાળશે, કેમ કે તે ફ્રેન્ચાઇઝી દ્વારા રિટેન કરનાર પહેલો ખેલાડી હતો. ધોની બીજા સ્થાને હતો.

મુંબઈ ઇન્ડિયન્સઃ પાંચ વારની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સનું સુકાન હિટમેન રોહિત શર્માના હાથોમાં જ રહેશે, કેમ કે તેને રૂ. 16 કરોડમાં રિટેન કરવામાં આવ્યો હતો.

દિલ્હી કેપિટલ્સઃ શ્રેયસ ઐયર પછી ઋષભ પંતે 2021માં ટીમની કેપ્ટનશિપ સંભાળી હતી. વળી ફ્રેન્ચાઇઝીએ ઐયરને આ વખતે રિટેન નથી કર્યો, જેથી તે અન્ય ટીમની કેપ્ટનશિપ સંભાળે એવી શક્યતા છે.

રાજસ્થાન રોયલ્સઃ આ ટીમના બેટ્સમેન સંજુ સેમસનને રાજસ્થાન રોયલ્સે રૂ. 14 કરોડમાં રિટેન કર્યો છે, જેથી તે જ ટીમની ધુરા સંભાળશે.

સનરાઇઝર્સ હૈદરાબાદઃ 2016માં IPLમાં કપ જીતનારી સનરાઇઝર્સ હૈદરાબાદે કેન વિલિયમસનને રૂ. 14 કરોડમાં રિટેન કર્યો હતો, જેથી તે જ ટીમની કમાન સંભાળશે એવી સંભાવના છે.

પંજાબ કિંગ્સઃ કેએલ રાહુલના ગયા પછી પંજાબ કિંગ્સે મયંક અગ્રવાલને રૂ. 12 કરોડમાં રિટેન કર્યો હતો, જેથી તે કેપ્ટનશિપ કરે એવી શક્યતા છે.

 કોલકાતા નાઇટરાઇડર્સઃ બે વાર IPL ચેમ્પિયન બનનાર કોલકાતા નાઇટરાઇડર્સના નવા કેપ્ટનની જવાબદારી આંદ્રે રસેલને સોંપાય એવી શક્યતા છે, કેમ કે ઇયોન મોર્ગનને ટીમે રિટેન નથી કર્યો.

 રોયલ ચેલેન્જર્સ બેંગલુરુઃ વિરાટ કોહલીએ કેપ્ટનશિપ છોડ્યા પછી ટીમ કોઈ નવા ખેલાડીને કેપ્ટન બનાવે એવી શક્યતા છે.

લખનઉઃ પંજાબ કિંગ્સના ભૂતપૂર્વ કેપ્ટન કેએલ રાહુલ લખનઉ ટીમની કેપ્ટનશિપ સંભાળે એવી શક્યતા છે.

અમદાવાદઃ દિલ્હી કેપિટલ્સથી અલગ થનારા શ્રેયસ ઐયર અમદાવાદ ટીમનું સુકાન સંભાળે એવી શક્યતા છે.