બીજી-ટેસ્ટઃ દક્ષિણ આફ્રિકાને વળતો-ફટકો માર્યો શાર્દુલ ઠાકુરે

જોહનિસબર્ગઃ અહીં વોન્ડરર્સ ખાતે રમાતી બીજી ટેસ્ટ મેચમાં પહેલા દાવમાં ભારતના સ્કોરને 202 રનના સામાન્ય આંક સુધી સીમિત રાખનાર દક્ષિણ આફ્રિકાને વળતો ફટકો માર્યો ભારતના ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરે. મુંબઈની પડોશના પાલઘરનિવાસી આ બોલરે 61 રનમાં 7 વિકેટ લેતાં દક્ષિણ આફ્રિકાનો પહેલો દાવ 229 રનમાં પૂરો થઈ ગયો અને તેઓ 27 રનની મામુલી લીડ મેળવી શક્યા. કારકિર્દીની હજી તો છઠ્ઠી જ ટેસ્ટ મેચ રમતા ઠાકુરે આ પહેલી જ વાર દાવમાં પાંચ-વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે. દક્ષિણ આફ્રિકાની ધરતી પર ભારતીય બોલરો તરફથી હવે આ બેસ્ટ દેખાવ બન્યો છે. ઠાકુરે ઓફ્ફ સ્પિનર હરભજનસિંહનો રેકોર્ડ તોડ્યો છે. દક્ષિણ આફ્રિકાએ 1992માં ટેસ્ટ ક્રિકેટમાં પ્રવેશ મેળવ્યો તે પછી તેની સામે જોહનિસબર્ગમાં કોઈ હરીફ બોલરે કરેલા શ્રેષ્ઠ દેખાવમાં શાર્દુલ ઠાકુરે પોતાનું નામ જોડ્યું છે. આ પહેલાં ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર મેથ્યૂ હોગાર્ડે 2004-05માં દક્ષિણ આફ્રિકા સામે દાવમાં બરાબર 61 રનમાં જ 7 વિકેટ ઝડપી હતી.

ઠાકુરનું કહેવું છે કે સ્થાનિક ક્રિકેટમાં અને મર્યાદિત ઓવરોવાળી ક્રિકેટ મેચોમાં રમવાના અનુભવથી મને ટેસ્ટ ક્રિકેટમાં ફાયદો થયો છે. મને રમવાની તક મળશે તો ટેસ્ટ ક્રિકેટમાં હું હજી આનાથી વધારે સારો દેખાવ કરીશ. ઠાકુરે પોતાની આ સિદ્ધિ માટે એને નાનપણથી તાલીમ આપનાર ક્રિકેટ કોચ દિનેશ લાડને યાદ કર્યા હતા. એ મારે મન મારા બીજા માતાપિતા છે. મારી ક્રિકેટ કારકિર્દીમાં એમનો ઘણો પ્રભાવ રહ્યો છે. એમણે તાલીમ આપીને મારી જિંદગી બદલી નાખી છે.

આ છે, દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ દાવમાં ભારતના બોલરોના શ્રેષ્ઠ બોલિંગ આંકડાઃ

  • 7/61 – શાર્દુલ ઠાકુર, જોહાનિસબર્ગ 2021-22
  • 7/120 – હરભજનસિંહ, કેપ ટાઉન 2010-11
  • 6/53 – અનિલ કુંબલે, જોહનિસબર્ગ 1992-93
  • 6/76 – જાવાગલ શ્રીનાથ, પોર્ટ એલિઝાબેથ 2001-02
  • 6/138 – રવિન્દ્ર જાડેજા, ડરબન 2013-14

જોહનિસબર્ગમાં રમાતી બીજી ટેસ્ટ મેચમાં ભારતે ગઈ કાલે બીજી દિવસની રમતને અંતે તેના બીજા દાવમાં કેપ્ટન કે.એલ. રાહુલ (8) અને મયંક અગ્રવાલ (23)ની વિકેટ ગુમાવીને 85 રન કર્યા હતા. ચેતેશ્વર પૂજારા 35 અને અજિંક્ય રહાણે 11 રન સાથે દાવમાં હતો. ભારતીય ટીમ હાલ દક્ષિણ આફ્રિકા સામે 58 રનથી આગળ છે. ત્રણ-મેચોની શ્રેણીની પહેલી ટેસ્ટ ભારત 113-રનથી જીત્યું હતું.