પંજાબ કિંગ્સને લાગ્યો મોટો ઝટકો, સ્ટાર બોલર થયો ઘાયલ

IPL 2025માં શાનદાર પ્રદર્શન કરી રહેલી પંજાબ કિંગ્સને મોટું નુકસાન થયું છે. ટીમનો ઝડપી બોલર લોકી ફર્ગ્યુસન ઈજાને કારણે આખી સીઝનમાંથી બહાર થઈ ગયો છે. આ વાતની પુષ્ટિ ટીમના કોચ જેમ્સ હોપ્સે સોમવારે કરી હતી. પંજાબ આવતીકાલે, એટલે કે મંગળવારે, પોતાના ઘરઆંગણે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટકરાશે.

લોકી ફર્ગ્યુસનને સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની અગાઉની મેચ દરમિયાન ઈજા થઈ હતી. તે આ મેચમાં માત્ર બે બોલ જ ફેંકી શક્યો હતો અને ત્યારબાદ તેને મેદાન છોડવું પડ્યું હતું. આ ઘટનાએ ટીમની ચિંતામાં વધારો કર્યો છે. કોલકાતા સામેની મેચ પહેલા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કોચ જેમ્સ હોપ્સે જણાવ્યું, “લોકી ફર્ગ્યુસનને ગંભીર ઈજા થઈ છે અને તે અનિશ્ચિત સમય માટે ટીમથી બહાર રહેશે. સીઝનના અંત સુધીમાં તેની વાપસી થવાની શક્યતા ખૂબ ઓછી લાગે છે.” ફર્ગ્યુસને આ સીઝનમાં ચાર મેચમાં પાંચ વિકેટ ઝડપી હતી.

પંજાબ કિંગ્સ પાસે હાલમાં ફર્ગ્યુસન જેવા ઝડપી બોલરની જગ્યા ભરવા માટે સીધો વિકલ્પ નથી. ટીમ અફઘાનિસ્તાનના અઝમતુલ્લાહ ઓમરઝાઈ અથવા વિજયકુમાર વિશાકને તક આપી શકે છે. કોલકાતા સામેની મેચમાં આ બેમાંથી કોઈ એક ખેલાડીને પસંદ કરવાનો નિર્ણય લેવામાં આવશે.

પંજાબ કિંગ્સે અત્યાર સુધી IPLનું એક પણ ટાઈટલ જીત્યું નથી. ટીમે 2014માં એકમાત્ર વખત ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ તેમાં તેને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ સીઝનમાં શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં ટીમ ઉમદા ફોર્મમાં છે અને ટાઈટલ જીતવાની મજબૂત દાવેદાર માનવામાં આવી રહી છે. જોકે, ફર્ગ્યુસનની ગેરહાજરી ટીમ માટે મોટો પડકાર બની શકે છે.