મોદીએ કર્યું મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનું ભૂમિપૂજન

મેરઠ (ઉત્તર પ્રદેશ): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અહીં મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીની શિલાન્યાસ વિધિ સંપન્ન કરી હતી. આ વર્ષે જાપાનના ટોક્યોમાં યોજાઈ ગયેલી ઓલિમ્પિક્સ અને પેરાલિમ્પિક્સમાં ભારતીય એથ્લીટ્સ/ખેલાડીઓએ કરેલા અસાધારણ દેખાવ બાદ કેન્દ્ર સરકારે નક્કી કર્યું હતું કે તે દેશમાં સ્પોર્ટ્સ ક્ષેત્ર પર વિશેષ લક્ષ આપશે અને દેશભરમાં ઘણી સ્પોર્ટ્સ એકેડેમી અને ઈન્સ્ટિટ્યૂટની સ્થાપના કરશે. તે અંતર્ગત વડા પ્રધાને મેરઠમાં રૂ. 700 કરોડના બજેટ સાથે મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીની આધારશીલા રાખી હતી. આ યુનિવર્સિટી અનેક નાના ગામડાઓને આવરી લેશે. તેમાં ખેલ મેદાનો, જિમ્નેશિયમ હોલ, સ્ટેડિયમ, અત્યાધુનિક સ્વિમિંગ પૂલ, વિશાળ કદનો હોલ અને એક સાઈક્લિંગ વેલોડ્રોમ સહિત આધુનિક પાયાની સગવડો હશે. આ યુનિવર્સિટી 540 મહિલાઓ સહિત 1,080 ખેલાડીઓને તાલીમ આપવાની ક્ષમતા ધરાવતી હશે. તેમાં શૂટિંગ રેન્જ, સ્ક્વોશ, તીરંદાજી, વેઈટલિફ્ટિંગ, કેનોઈંગ તથા બીજી ઘણી રમતોની તાલીમ પણ અપાશે. આ યુનિવર્સિટી 91 એકર જમીન પર વિસ્તારેલી હશે.

આ છે દેશની અન્ય નોંધનીય સ્પોર્ટ્સ ઈન્સ્ટિટ્યૂટ્સઃ

  • આર્મી સ્પોર્ટ્સ ઈન્સ્ટિટ્યૂટ (પુણે)
  • મધ્ય પ્રદેશ એકેડેમી, ભોપાલ
  • ઉષા સ્કૂલ ઓફ એથ્લેટિક્સ, કેરળ
  • કલિંગા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડસ્ટ્રિયલ ટેક્નોલોજી, ઓડિશા
  • અંજુ બોબી જ્યોર્જ સ્પોર્ટ્સ ફાઉન્ડેશન, કર્ણાટક