જ્યારે કૃણાલ બર્થડે-બોય હાર્દિક પર ગુસ્સે થયો

અબુધાબીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધાની મેચો હંમેશાં તીવ્ર રસાકસીવાળી રહેતી હોય છે. આનો તાજો પુરાવો ગઈ કાલની મેચમાં મળ્યો હતો, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સનો બોલર કૃણાલ પંડ્યા એના નાના ભાઈ હાર્દિક પર ભડકી ગયો હતો. ગઈ કાલે હાર્દિક પંડ્યાનો જન્મદિવસ હતો. એ 27 વર્ષનો થયો.

ગઈ કાલે મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાઈ હતી. એમાં ભલે ગયા વર્ષની ચેમ્પિયન્સ મુંબઈ ટીમ પાંચ-વિકેટથી જીતી ગઈ હતી, પણ એક તબક્કે કૃણાલનો પિત્તો એના સગા ભાઈની એક ભૂલને કારણે ગયો હતો.

તે ઘટના દિલ્હીના દાવની 7મી ઓવરમાં બની હતી.

ડાબોડી સ્પિનર કૃણાલ બોલિંગ કરતો હતો. દિલ્હીનો કેપ્ટન શ્રેયસ ઐયર રન લેવા માટે દોડ્યો હતો અને એને રનઆઉટ કરવાની તક જોતાં હાર્દિકે બોલરના છેડે થ્રો કર્યો હતો. પરંતુ એ થ્રો ખરાબ હતો. કૃણાલ એને પકડી શક્યો નહોતો અને એને બેક કરવા માટે પણ કોઈ ફિલ્ડર નહોતો. પરિણામે બેટ્સમેનોને ઓવરથ્રોનો એક વધુ રન મળી ગયો હતો. એને કારણે કૃણાલને ગુસ્સો ચડ્યો હતો.

એ છબરડો થયા બાદ હાર્દિક એના ભાઈને કોઈક ખુલાસો કરતો હોવાનું ટીવી રીપ્લેમાં જોવા મળ્યું હતું. એનું કહેવું હતું કે એક ફિલ્ડર પાછળ હતો અને એણે ઓવરથ્રો ટાળવા માટે તરત જ પાછળ પહોંચી જવું જોઈતું હતું.

હાર્દિકના હાવભાવ પરથી જણાયું હતું કે એના ભાઈએ એને ઠપકો આપ્યો હતો એ તેને ગમ્યું નહોતું.

પંડ્યા ભાઈઓ મેદાનમાં એકબીજા પર ગુસ્સે ભરાયા હોય એવું આ કદાચ પહેલી જ વાર જોવા મળ્યું.

તે મેચ આખરે તો મુંબઈ જીતી ગયું હતું. દિલ્હી કેપિટલ્સે તેના હિસ્સાની 20 ઓવરમાં 4 વિકેટે 162 રન કર્યા હતા. તેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સે 19.4 ઓવરમાં 5 વિકેટના ભોગે 166 રન કરીને મેચ જીતી લીધી હતી.

કૃણાલે બોલિંગમાં બે વિકેટ લીધી હતી અને એક કેચ પકડ્યો હતો.

બેટિંગમાં, હાર્દિક પંડ્યા ઝીરો પર આઉટ થયો હતો. જ્યારે કૃણાલ 12 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.

મુંબઈના વિકેટકીપર-ઓપનર ક્વિન્ટન ડી કોકને 53 રનના દાવ બદલ પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરાયો હતો.

આ વખતની સ્પર્ધા હાર્દિક પંડ્યા માટે નિરાશાજનક રહી છે. એ બેટિંગમાં ખાસ ઝળકી શક્યો નથી.

મુંબઈ ટીમ હાલ પોઈન્ટ્સ ટેબલમાં મોખરે છે. તેની અને દિલ્હી ટીમ વચ્ચે રસાકસી છે. બંને ટીમ 7-7 મેચોમાં 5-5 મેચ જીતી ચૂકી છે અને 10-10 પોઈન્ટ છે. મુંબઈ નેટ રનરેટને કારણે પહેલા નંબર પર છે. મુંબઈનો નેટ રનરેટ છે +1.327 જ્યારે દિલ્હીનો છે, +1.038

કૃણાલ-હાર્દિક વચ્ચે નારાજગીની ક્ષણોવાળો વિડિયો જુઓ…