ધોનીના પ્રશંસકે ઘરને પીળા રંગથી રંગ્યું

ચેન્નાઈઃ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીના એક ચાહકે કંઈક એવું કર્યું છે જેનાથી સહુનું ધ્યાન એની પર આકર્ષિત થયું છે. તામિલનાડુના કડ્ડલોર જિલ્લાના આરંગુર ગામમાં ધોનીનો આ ચાહક રહે છે અને એણે એના ઘરને પીળા રંગથી રંગી નાખ્યું છે. આ રંગ ધોની જેનો હાલ કેપ્ટન છે તે ચેન્નાઈ સુપર કિંગ્સ આઈપીએલ ટીમના ખેલાડીઓના ડ્રેસનો છે.

ગોપીકૃષ્ણન નામના આ ચાહકે ઘરને પીળા રંગથી રંગ્યું છે એટલું જ નહીં, ઘરની બહારની દીવાલ પર એણે ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમના લોગો (ગર્જના કરતા સિંહ)ને તેમજ ટીમની ટેગલાઈન તથા ધોનીના ચિત્રને પણ પ્રદર્શિત કર્યું છે.

ગોપીકૃષ્ણન કહે છે કે પોતે ધોનીનો મોટો ચાહક છે. એણે તેના ઘરના પ્રવેશદ્વારની ઉપર મોટા અક્ષરોમાં લખાવ્યું છેઃ ‘હોમ ઓફ ધોની ફેન’ (ધોનીના ચાહકનું ઘર).

ગોપીકૃષ્ણન મધ્ય પૂર્વના દેશમાં નોકરી કરે છે. હાલ કોરોના વાઈરસ મહાબીમારી ફેલાઈ હોવાથી એ પોતાના ગામ ખાતે તેના ઘેર પાછો ફર્યો છે.

ઘરને ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમના રંગોથી રંગવા માટે એણે દોઢ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

આઈપીએલ સ્પર્ધાની 13મી આવૃત્તિ હાલ યૂએઈમાં રમાઈ રહી છે, પણ એમાં ધોનીની ચેન્નાઈ ટીમે હજી સુધી અપેક્ષા કરતાં ખરાબ દેખાવ કર્યો છે. આઠ મેચોમાંથી એ માત્ર ત્રણમાં જ જીતી છે અને પોઈન્ટ્સ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. આ ટીમ ત્રણ વખત ચેમ્પિયન બની ચૂકી છે.