સ્પોર્ટ્સ પત્રકાર, ક્રિકેટ કોમેન્ટેટર કિશોર ભીમાણીનું અવસાન

કોલકાતાઃ પીઢ સ્પોર્ટ્સ પત્રકાર અને ભૂતપૂર્વ રેડિયો-ટીવી ક્રિકેટ કોમેન્ટેટર કિશોર ભીમાણીનું આજે અહીં અવસાન થયું છે. એ 80 વર્ષના હતા. તેઓ જાણીતા એન્કર અને લેખક હરીશ ભીમાણીના મોટા ભાઈ હતા. ભીમાણી પરિવાર મૂળ કચ્છના માંડવીનો છે.

કિશોરભાઈને ગઈ 14 સપ્ટેમ્બરે અહીંની વૂડલેન્ડ્સ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એમને વૃદ્ધાવસ્થાને કારણે ઘણી બીમારી હતી. એમનો કોરોના વાઈરસનો રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો હતો. આજે સવારે હૃદયરોગનો હુમલો આવતા એમનું નિધન થયું હતું.

કિશોર ભીમાણીએ 1986માં તે વખતના મદ્રાસના ચેપોક મેદાન પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટાઈ થયેલી ટેસ્ટ મેચ વખતે રેડિયો કોમેન્ટરી આપી હતી.

ભારતમાં ખેલકૂદ પત્રકારત્વમાં કિશોરભાઈએ આપેલા યોગદાન બદલ તેઓ હંમેશાં યાદ રહેશે. કોમેન્ટેરી અને પત્રકારત્વમાં ત્રણ દાયકા લાંબી કારકિર્દીમાં કિશોરભાઈને ઘણા એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યા હતા.

‘ચિત્રલેખા’એ બે વર્ષ પૂર્વે તેના વાર્ષિક અંકમાં ‘૫૧ ગૌરવવંતા ગુજરાતી’ વિશેષ પૂર્તિમાં કિશોર ભીમાણીનો સમાવેશ કર્યો હતો. તેમનો ઈન્ટરવ્યૂ વાંચવા નીચેની લિન્ક પર ક્લિક કરોઃ

Kishor Bhimani Chitralekha Interview

જાણીતા ક્રિકેટ કોમેન્ટેટર હર્ષ ભોગલેની કિશોર ભીમાણીને ટ્વીટ દ્વારા શ્રદ્ધાંજલિ.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તરફથી પણ કિશોરભાઈના નિધન અંગે દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે અને એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. એસોસિએશનના ભૂતપૂર્વ સેક્રેટરી નિરંજન શાહે કહ્યું કે ક્રિકેટ જગતને કિશોર ભીમાણીએ આપેલી સેવા સદાય યાદ રહેશે.