ધોનીની પુત્રીને ધમકી આપનાર શખસની મુંદ્રાથી ધરપકડ

અમદાવાદઃ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને IPLમાં ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના IPLમાં ખરાબ પ્રદર્શન પછી સોશિયલ મિડિયા પર તેમની પાંચ વર્ષની પુત્રીથી દુષ્કર્મ કરવાની ધમકી આપનાર શખસની ગુજરાત પોલીસે મુંદ્રાથી ધરપકડ કરી છે. જે પછી ફેન્સ ઘણો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા હતા. જોકે ધોનીની પુત્રીને ધમકી આપનાર શખસની ગુજરાતના મુંદ્રામાંથી ધરપકડ કરવામાં આવી છે, એમ પોલીસે માહિતી આપી હતી.

આ ધમકી આપનાર શખસ સગીર છે અને મુંદ્રાના કપાયા ગામનો રહેવાસી છે. તે 12મા ધોરણનો વિદ્યાર્થી છે, તેને જલદી રાંચી પોલીસને સોંપી દેવામાં આવશે. આ ધમકી પછી રાંચીમાં ધોની સમર્થકો અને ક્રિકેટ પ્રેમીઓમાં ભારોભાર ગુસ્સો પ્રવર્તે છે.

રવિવારે ક્રિકેટરો અને તેમના પ્રશંસકોએ બેનર-પોસ્ટરની સાથે રાંચીના અલબર્ટ એક્કા ચોક પર પ્રદર્શન કર્યું હતું અને ધમકી આપનારાની ધરપકડ અને સખત કાર્યવાહીની માગ કરી હતી.

બુધવારે ધોનીની પત્ની સાક્ષીએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કોઈએ આ પ્રકારની ધમકી આપી હતી. આ ધમકી સંબંધે રાતુ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસની તપાસ કરી રહેલી સાઇબર સેલની ટેક્નિકલ શાખાને માહિતી મળી હતી કે ગુજરાતથી કોઈ વ્યક્તિની સાક્ષીના ઇન્સ્ટાગ્રામ પર ધમકી આપી હતી.

પોલીસે કહ્યું હતું કે આ યુવકે સ્વીકાર કર્યો હતો કે તેણે કોલકાતા નાઇટ રાઇડર્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની વચ્ચે IPL 2020 મેચ પછી ઇન્સ્ટાગ્રામ પર ધમકીને લગતો સંદેશ પોસ્ટ કર્યો હતો.