બેંગલુરુઃ સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ગયા અઠવાડિયે એક મેચ દરમિયાન બોલ અટકાવવા જતાં ઘૂંટણમાં થયેલી ઈજા હજી દૂર થઈ નથી. એને વર્લ્ડ કપ-2023માં ભારતની વધુ બે મેચમાંથી બહાર રહેવાની ફરજ પડે એવી શક્યતા છે. ઈજામાંથી તે હજી સંપૂર્ણપણે સાજો થયો નથી.
વડોદરાનિવાસી પંડ્યા બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડેમીમાં ઉપચાર હેઠળ છે. એના ડાબા ઘૂંટણ પર હજી સોજો છે. તે ઘણે અંશે ઘટી ગયો છે, પરંતુ હાલને તબક્કે એને આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. તે સપ્તાહાંતે બોલિંગ કરવાનું ફરી શરૂ કરી શકશે.
પંડ્યાને ગઈ 19 ઓક્ટોબરે પુણેમાં બાંગ્લાદેશ સામેની મેચ વખતે જમણા પગેથી બોલ અટકાવવા જતાં ડાબા પગના ઘૂંટણમાં ઈજા થઈ હતી. એને કારણે તે 22 ઓક્ટોબરે ધરમશાલામાં ન્યૂઝીલેન્ડ સામેની મેચ ચૂકી ગયો હતો.
ભારતીય ટીમ તેની પાંચેય મેચ જીતીને હાલ અન્ય 8 ટીમોની સરખામણીમાં મજબૂત સ્થિતિમાં છે. ભારતની હવે પછીની મેચ 29 ઓક્ટોબરે લખનઉમાં ગઈ વેળાના ચેમ્પિયન્સ ઈંગ્લેન્ડ સામે છે. ત્યારબાદ બીજી નવેમ્બરે મુંબઈમાં શ્રીલંકા સામે મેચ છે. પંડ્યાની જગ્યાએ ઈલેવનમાં સૂર્યકુમાર યાદવને સામેલ કરવામાં આવ્યો છે.