લાહોરઃ પાકિસ્તાનના યુવા ફાસ્ટ બોલર મહિન્દરપાલ સિંહનું સપનું છે કે એને ભારતની ક્રિકેટ ટીમ સામે રમવા મળે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિકેટ રમવા માટે આતુર એવો મહિન્દરપાલ સિંહ પાકિસ્તાનમાં શીખ સમુદાયનો પહેલો ક્રિકેટર છે.
હાલ 20ની આસપાસની ઉંમરનો મહિન્દરપાલ સિંહ કહે છે, ભારત સામે કોઈ પણ સ્તરે ક્રિકેટ મેચ રમવા હું ખૂબ જ આતુર છું. તમે કોઈ પણ ક્રિકેટરને પૂછો, તે એમ જ કહેશે કે એને હાઈ-પ્રેશરવાળી મેચોમાં રમવાની ઈચ્છે છે, કારણ કે એવી મેચ આખી દુનિયા જોતી હોય છે. એમાંય ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ તો વિશેષ જ ગણાય. મને એ તક મળે એની હું આતુરતાપૂર્વક રાહ જોઉઁ છું.
મને લોકો કોઈ મજબૂત હરીફ ટીમ સામેની હાઈ-ટેમ્પો મેચમાં હિરો તરીકે ગણે અને એ મેચ દુનિયાભરમાં જોવામાં આવે એવું હું ઈચ્છું છું. ભારતના પંજાબમાં મારા સગાંઓ રહે છે. મારા કાકી તથા બીજાં ઘણાં સગાંસંબંધીઓ ત્યાં રહે છે અને અમે નિયમિત રીતે મળીએ છીએ. ભારતમાં મારા ઘણા ચાહકો છે, ખાસ કરીને પંજાબમાં. હું સારો દેખાવ કરું એવું તેઓ કાયમ ઈચ્છતા હોય છે. તેઓ મને કહે છે કે જો મને ક્યારેય પણ પાકિસ્તાન વતી રમવાનો મોકો મળશે ત્યારે તેઓ મને અને પાકિસ્તાનને સપોર્ટ કરશે, એમ મહિન્દરપાલે પાકપેશન.નેટને આપેલી મુલાકાતમાં કહ્યું છે.
મહિન્દરપાલ સિંહ પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર અને કેપ્ટન વકાર યુનુસને પોતાનો આદર્શ માને છે.
મહિન્દરપાલ 2017માં જિલ્લા સ્તર અથવા ગ્રેડ-2ની મેચોમાં રમ્યો હતો, પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ઘરેલુ ક્રિકેટ માળખામાં ધરખમ ફેરફાર કરતાં અને વિભાગીય ટીમોના માળખાને રદ કરતાં ઘણા ક્રિકેટરોએ એમની આજીવિકા ગુમાવી દીધી છે.
મહિન્દરપાલે એમ પણ કહ્યું કે પોતે શીખ સમુદાયનો હોવાથી એને પાકિસ્તાનમાં ભેદભાવનો ઘણો સામનો કરવો પડ્યો છે, પરંતુ એણે તે સહન કરી લીધું છે. હું મારું સપનું પડતું મૂકવા તૈયાર નથી. મને ઘણા સ્તરે ભેદભાવનો સામનો કરવો પડ્યો છે, ઘણી ખરાબ કમેન્ટ્સ સાંભળવી પડી છે, પરંતુ દુનિયામાં બધે જ ઠેકાણે સારા અને ખરાબ માણસો રહેતા જ હોય.