કેન્સરગ્રસ્ત પિતાએ સ્ટોક્સને IPLમાં રમવા મોકલ્યો

દુબઈઃ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ એના માતા-પિતાના પ્રેમ અને આશીર્વાદ સાથે સંયુક્ત આરબ અમિરાતમાં આઈપીએલ-2020 ક્રિકેટ સ્પર્ધામાં રમવા માટે આવી પહોંચ્યો છે. એ રાજસ્થાન રોયલ્સ ટીમનો ખેલાડી છે.

ઉલ્લેખનીય છે કે, સ્ટોક્સના પિતાને કેન્સર થયું છે. એમની પાસે રહેવા માટે એ ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચ શહેરમાં ગયો હતો. પરંતુ, બીમાર પિતાએ જ એમ કહીને દીકરાનો જુસ્સો વધાર્યો હતો કે, ‘જા અને ક્રિકેટ રમ.’ એને કારણે જ સ્ટોક્સ ન્યૂઝીલેન્ડમાંથી રવાના થઈને ગયા રવિવારે દુબઈ આવી પહોંચ્યો હતો. હાલ એ આઈપીએલ સ્પર્ધા માટે નક્કી કરાયેલા કોવિડ-19 પ્રોટોકોલ્સ અંતર્ગત ફરજિયાત ક્વોરન્ટાઈન અવસ્થામાં છે.

બેન સ્ટોક્સ ક્રાઈસ્ટચર્ચમાં જન્મેલો છે, પણ બ્રિટનમાં સ્થાયી થયા બાદ એ દેશની ટીમ વતી ક્રિકેટ રમે છે.

સ્ટોક્સે બ્રિટનના અખબાર ધ મિરર માટેની કોલમમાં લખ્યું છે કે, ક્વોરન્ટાઈન અવસ્થામાં હોટેલની રૂમમાં બેઠા રહેવું પડે એવા આઈપીએલના આરંભ વિશે મેં ધાર્યું નહોતું, પરંતુ સમય અનુસાર રહેવું જ પડે. હું અહીંયા સારી સ્થિતિમાં છું. ક્રાઈસ્ટચર્ચમાં પિતા, માતા અને ભાઈને ગૂડબાય કહીને નીકળવાનું મને બહુ આકરું લાગ્યું હતું. અમારા પરિવાર માટે હાલ બહુ જ કપરો સમય ચાલી રહ્યો છે. પરંતુ અમે શ્રેષ્ઠ હોય એ રીતે એકબીજાની પડખે રહ્યાં છીએ. મારે ફરી રમવા જવું જોઈએ એવો તેમણે નિર્ણય લીધા બાદ હું મારા માતા-પિતાનાં આશીર્વાદ અને પ્રેમ મેળવીને દુબઈ માટેના વિમાનમાં બેઠો હતો.

 

પિતાને કેન્સર હોવાનું નિદાન થયા બાદ બેન સ્ટોક્સ ગયા ઓગસ્ટમાં પાકિસ્તાન સામેની ટેસ્ટ સિરીઝને અડધેથી છોડીને ક્રાઈસ્ટચર્ચ ગયો હતો. ત્યારથી એ ત્યાં જ હતો.

‘મારા પિતા જવાબદારીને ખૂબ જ મહત્ત્વ આપે છે. એમણે જ મને કહ્યું કે ક્રિકેટ રમવું એ મારી ફરજ છે અને મારે એ બજાવવી જોઈએ. મારી એક પતિ અને પિતા તરીકેની પણ ફરજ બજાવવાની છે,’ એમ બેન સ્ટોક્સે લખ્યું છે.

કિશોરઅવસ્થામાં બેન સ્ટોક્સઃ માતા-પિતા સાથેની ફાઈલ તસવીર

અમે આ વિશે બહુ જ વિસ્તારપૂર્વક અને લંબાણપૂર્વક ચર્ચા કરી હતી. આખરે અમે નિર્ણય પર આવ્યા અને આજે હું ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા અહીં આવ્યો છું, એમ સ્ટોક્સે વધુમાં લખ્યું છે.

સ્ટોક્સના આગમનથી આઈપીએલ-2020માં રાજસ્થાન રોયલ્સ ટીમની તાકાત ઘણી વધી જશે. ઓસ્ટ્રેલિયન સ્ટીવન સ્મીથની આગેવાની હેઠળની આ ટીમ હાલ સ્પર્ધામાં સંઘર્ષ કરી રહી છે. પાંચ મેચોમાંથી તે માત્ર બેમાં જ જીતી શકી છે અને 3 હારી છે. શુક્રવારે ટીમનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સામે છે.