મુરલીધરન પાસે ભારતીય નાગરિકત્વ છે

કોલંબોઃ મુુથૈયા મુરલીધરન શ્રીલંકાના વિશ્વ વિક્રમધારક ઓફ્ફ-સ્પિન બોલર છે. ક્રિકેટના ઈતિહાસમાં મહાનતમ બોલરોમાં એમની ગણતરી કરાય છે. એમણે 800 ટેસ્ટ વિકેટ અને 534 વન-ડે ક્રિકેટ વિકેટો લીધી હતી. આને કારણે આ બંને ફોર્મેટની ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર એ બન્યા છે. પ્રતિ ટેસ્ટ 6 વિકેટની એ એવરેજ ધરાવે છે.

શ્રીલંકામાં ક્રિકેટની રમતને મજબૂત બનાવવામાં મુરલીધરનનો મોટો ફાળો રહ્યો છે. એમની ટેલેન્ટે શ્રીલંકાને રમતગમત ક્ષેત્રે નામના અપાવી, સાથોસાથ, શ્રીલંકામાં બહુમતી સિંહાલી અને લઘુમતી તામિલ લોકો વચ્ચેની વંશીય સમસ્યાને દૂર કરી અને શ્રીલંકાના સમાજમાં એકતા પણ લાવી આપી.

આ મુરલીધરનના ભારત દેશ સાથે ઘેરો સંબંધ છે એ ઘણા જાણતા નહીં હોય.

મુરલી શ્રીલંકા અને ભારત, એમ બંને દેશનું નાગરિકત્વ ધરાવે છે. એમની પાસે ઓવરસીઝ સિટીઝનશીપ ઓફ ઈન્ડિયા (OCI) છે, એનો મતલબ એ કે એમને ભારત આવવા માટે વિઝાની જરૂર રહેતી નથી.

મુરલીધરનને આ વિશેષ દરજ્જો અપાયો એનું કારણ એ છે કે એમનો પરિવાર મૂળ ભારતનો છે.

એમના દાદા પેરિયાસ્વામી સિનાસ્વામી દક્ષિણ ભારતના વતની હતા. એ 1920માં મધ્ય શ્રીલંકામાં ચાની ખેતી કરવા ગયા હતા. એ ત્યાં લાંબા સમય સુધી સ્થાયી રહ્યા હતા. એ દરમિયાન જ મુરલીધરનના પિતા મુથૈયાનો ત્યાં જન્મ થયો હતો. સિનાસ્વામી ત્યારબાદ ભારત પાછા ફર્યા હતા અને તામિલનાડુના તિરુચિરાપલ્લીમાં વસ્યા હતા. જ્યારે મુથૈયા શ્રીલંકાના કેન્ડી શહેરમાં જ રહ્યા હતા. ત્યાં એમણે આગળ જતાં બિસ્કીટના ધંધામાં ઝંપલાવ્યું હતું અને એમાં સફળ થયા હતા.

પિતા મુથૈયા અને માતા લક્ષ્મીનાં પરિવારમાં 1972ની 17 એપ્રિલે કેન્ડીમાં મુરલીધરનનો જન્મ થયો હતો.

2005માં મુરલીધરને ચેન્નાઈની વતની મધીમલાર રામમૂર્તિ સાથે લગ્ન કર્યા હતા. મધીમલારનાં માતાપિતા ડોક્ટર છે અને ચેન્નાઈમાં એમની હોસ્પિટલ છે.

એક કલ્પના કરી જુઓ કે, મુરલીધરન ભારતમાં જ રહ્યા હોત અને ભારત વતી ક્રિકેટ રમ્યા હોત તો એ અને લેગસ્પિનર અનિલ કુંબલેની જોડી કેવો તરખાટ મચાવત?