હોસ્પિટલની પથારી પરથી ગેલે ચાહકોને સંદેશ મોકલ્યો

દુબઈઃ આઈપીએલ-2020 ક્રિકેટ સ્પર્ધામાં કિંગ્સ ઈલેવન પંજાબ ટીમ તરફથી રમતો ઓપનર ક્રિસ ગેલ હાલ પેટની તકલીફને કારણે હોસ્પિટલમાં છે. ત્યાં પથારીમાં સૂતા સૂતા એણે પોતાની તસવીર સાથે એક સંદેશ મોકલ્યો છે અને કહ્યું છે કે ‘હું લડ્યા વગર હારતો નથી.’

ઉલ્લેખનીય છે કે લોકેશ રાહુલના નેતૃત્ત્વવાળી કિંગ્સ ઈલેવન પંજાબ ટીમ હાલ પોઈન્ટ્સ ટેબલમાં તળિયે છે અને વેસ્ટ ઈન્ડિયન આક્રમક ઓપનર ગેલ હજી સુધી એકેય મેચ રમ્યો નથી.

41 વર્ષીય સ્વયંઘોષિત ‘યુનિવર્સ બોસ’ ગેલ ઈન્ડિયન પ્રીમિયર લીગ સ્પર્ધામાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો વિક્રમ ધરાવે છે. એણે કુલ 326 સિક્સર ફટકારી છે.

ગેલે દુબઈની એક હોસ્પિટલમાં પથારીમાં સૂતા સૂતા પોતાની એક તસવીર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે અને એની કેપ્શનમાં (દેખીતી રીતે જ પ્રશંસકોજોગ) લખ્યું છે કેઃ ‘હું તમને આ જણાવી દઉં. હું લડ્યા વિના ક્યારેય હારતો નથી. હું યુનિવર્સ બોસ છું – અને આ પદ ક્યારેય બદલાશે નહીં. તમે મારી પાસેથી શીખી શકો છો… પણ તમે દરેક વાતમાં મારું અનુસરણ કરો એવું હું નહીં કહું. મારી સ્ટાઈલ અને ચમકારાને ભૂલશો નહીં…’

તસવીરમાં એ ફોન પર કોઈકની સાથે વાત કરી રહ્યો છે અને બીજા હાથમાં વાઈન જેવું ભરેલો ગ્લાસ પકડ્યો છે.

ગઈ કાલે, શનિવારની મેચમાં પંજાબ ટીમનો કોલકાતા નાઈટ રાઈડર્સ સામે પરાજય થયો હતો. અત્યાર સુધીમાં રમેલી સાત મેચોમાંથી પંજાબ ટીમનો આ છઠ્ઠો પરાજય હતો. પંજાબ ટીમ સ્પર્ધામાં તેની બાકીની સાતેય મેચ જીતે તો પણ પ્લે-ઓફ્ફમાં પહોંચી શકે એમ નથી.

ગેલ ટ્વેન્ટી-20 મેચોમાં સૌથી વધારે રન કરનાર બેટ્સમેન છે. એણે 125 મેચોમાં 4,484 રન કર્યા છે અને આઈપીએલમાં એનો સ્ટ્રાઈક રેટ 151થી વધારે છે.