મુંબઈઃ આરે કોલોનીમાંથી મેટ્રો કારશેડ હટાવાશે

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે એક મહત્ત્વની જાહેરાત કરી છે. એમણે કહ્યું કે ગોરેગાંવ (પૂર્વ) સ્થિત આરે કોલોની વિસ્તારમાં નક્કી કરાયેલો મેટ્રો કાર શેડ હટાવી દેવામાં આવશે અને એને કાંજુરમાર્ગ ખાતે શિફ્ટ કરવામાં આવશે.

આ જાહેરાત કરીને ઉદ્ધવ ઠાકરેએ આરે કોલોનીના જંગલ વિસ્તારનું રક્ષણ કરવામાં આવશે એવા વિધાનસભા ચૂંટણી પૂર્વે આપેલા વચનનું પાલન કરી બતાવ્યું છે.

 

ઠાકરેએ વેબકાસ્ટમાં જણાવ્યું કે મેટ્રો કાર શેડ પ્રોજેક્ટને કાંજુરમાર્ગ ઉપનગરમાં સરકારી જમીન પર શિફ્ટ કરાશે. એ માટે કોઈ ખર્ચ કરવામાં નહીં આવે. જમીનનો પ્લોટ ઝીરો રેટ પર ઉપલબ્ધ છે.

ઠાકરેએ વધુમાં કહ્યું કે આરે કોલોનીના વનવિસ્તારમાં જે મકાન બાંધવામાં આવ્યું છે એનો ઉપયોગ કોઈક અન્ય જાહેર કામકાજ માટે કરવામાં આવશે. આ મકાન બાંધવા પાછળ જે રૂ. 100 કરોડનો ખર્ચ થયો એ ફોગટ જવા દેવામાં નહીં આવે.

સરકારે અગાઉ એવું જાહેર કર્યું હતું કે આરે કોલોનીમાં 600 એકર જમીન જંગલ છે, પરંતુ હવે એ આંકડામાં ફેરફાર કરીને 800 એકર ગણવામાં આવી છે. આરે જંગલવિસ્તારમાં વસતા આદિવાસી જનજાતિઓનાં લોકોનાં અધિકારો પર કોઈ પ્રકારની તરાપ મારવામાં નહીં આવે. આરે વિસ્તારમાં બાયોડાઈવર્સિટી (જૈવ વિવિધતા)ની કુદરતી રચનાની જાળવણી કરવામાં આવશે અને તેનું રક્ષણ કરવામાં આવશે. હવે આરેમાં 800-એકર જંગલ વિસ્તાર છે. મુંબઈનું આ પોતાનું એક કુદરતી વનકવચ છે.

ઉલ્લેખનીય છે કે નાગરિકો તથા પર્યાવરણવાદીઓએ આરેના જંગલ વિસ્તારમાં મેટ્રો કાર શેડ પ્રોજેક્ટ નાખવામાં આવે તેની સામે ગયા વર્ષે જોરદાર વિરોધ કર્યો હતો. અગાઉની સરકારે એમની સામે નોંધેલા તમામ ક્રિમિનલ કેસોને હાલની શિવસેના-કોંગ્રેસ-એનસીપી સંયુક્ત સરકારે પાછા ખેંચી લીધા છે.

આરે વિસ્તાર મેટ્રો-3 લાઈનનો હિસ્સો છે. આ લાઈન કોલાબા-બાન્દ્રા-સીપ્ઝ વિસ્તારોને જોડે છે, પરંતુ એનો કાર શેડ (ડેપો) આરે કોલોનીના જંગલમાં બાંધવાનો મૂળ પ્લાન હતો.

મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશનના અધિકારીઓએ એવો ભય વ્યક્ત કર્યો છે કે કાર શેડને જો આરે કોલોનીમાંથી ખસેડવામાં આવશે તો મેટ્રો લાઈન-3 પ્રોજેક્ટ 3 વર્ષ લંબાઈ જશે અને એની પાછળનો ખર્ચ રૂ. 2000 કરોડ જેટલો વધી જશે.

આરે કોલોનીમાંથી મેટ્રો કાર શેડને અન્ય સ્થળે ખસેડવાના સરકારના વિચારને અગાઉ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ખોટી નીતિ તરીકે ઓળખાવ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]