એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવા પાકિસ્તાનની હોકી ટીમનું ભારતમાં આગમન

અમૃતસરઃ ચેન્નાઈમાં આવતા ગુરુવારથી શરૂ થનાર એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી સ્પર્ધામાં રમવા માટે પાકિસ્તાનના પુરુષોની ટીમ અટ્ટારી-વાઘા સરહદેથી આજે ભારતમાં આવી પહોંચી છે. એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી સ્પર્ધા દર બે વર્ષે રમાય છે. આ ફિલ્ડ હોકી સ્પર્ધામાં એશિયાની ટોચની 6 ટીમ રમે છે. મેચો રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાય છે. પાકિસ્તાન ટીમનો કેપ્ટન છે મુહમ્મદ ઉમર ભુટ્ટા. હિરો મોટોકોર્પ કંપની પ્રાયોજિત સ્પર્ધા 3 ઓગસ્ટથી 12 ઓગસ્ટ સુધી રમાશે. સ્પર્ધાની અન્ય ચાર ટીમ છેઃ સાઉથ કોરિયા, મલેશિયા, ચીન અને જાપાન.

2011ની સાલથી રમાતી આ સ્પર્ધાના ઈતિહાસમાં ભારત અને પાકિસ્તાન સંયુક્ત રીતે સૌથી સફળ ટીમો છે. 2018ની સ્પર્ધામાં બંને ટીમને સંયુક્ત વિજેતા તરીકે ઘોષિત કરવામાં આવી હતી. પાકિસ્તાને 2012, 2013 અને 2018, એમ ત્રણ વખત આ સ્પર્ધા જીતી છે. ભારતે 2011, 2016 અને 2018માં ટાઈટલ જીત્યું હતું. 2021માં આ સ્પર્ધા સાઉથ કોરિયાએ જીતી હતી.