મુંબઈઃ ઓસ્ટ્રેલિયામાં આવતા મહિનાથી શરૂ થનાર T20 વર્લ્ડ કપ સ્પર્ધા પૂર્વે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ અને રાષ્ટ્રીય ક્રિકેટ ટીમની સત્તાવાર કિટ સ્પોન્સર કંપની એમપીએલ સ્પોર્ટ્સ દ્વારા ભારતીય પુરુષ અને મહિલા ટીમોની તમામ T20I મેચો માટે નવું જર્સી લોન્ચ કર્યું છે અને તેની તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરી છે. ઉલ્લેખનીય છે કે, પસંદગી સમિતિએ આ વર્લ્ડ કપ માટે 15-સભ્યોની ભારતીય ટીમની ઘોષણા કરી દીધી છે.
ભારતીય ખેલાડીઓ હાલ માત્ર આકાશી રંગનું જર્સી પહેરીને રમે છે. પરંતુ, T20 ઈન્ટરનેશનલ મેચો માટે તૈયાર કરાયેલા નવા જર્સીનો રંગ બે પ્રકારના બ્લૂ રંગનો છે. આગળનો ભાગ આકાશી બ્લૂ રંગનો છે અને ખભા તથા બાવડાના ભાગમાં ડાર્ક બ્લૂ રંગ રખાયો છે. ક્રિકેટ બોર્ડનું કહેવું છે કે ખેલાડીઓ માટે નવા રંગરૂપ અને ડિઝાઈનવાળું નવું જર્સી ભારતીય ટીમના ચાહકોને સમર્પિત કરવામાં આવ્યું છે. અમુક ચાહક-નેટયૂઝર્સે નવા જર્સીની ડિઝાઈનની ટીકા પણ કરી છે. એક જણે લખ્યું છે કે આ જર્સીમાં ભારતના તિરંગાને કેમ દર્શાવાયો નથી? અન્ય એક જણે કહ્યું છે કે ખભાના ભાગે ડાર્ક બ્લૂને બદલે આખું જ જર્સી આકાશી બ્લૂ રંગનું રાખ્યું હોત તો સારું દેખાત. અન્ય એક જણે લખ્યું છે કે, તસવીરમાં વિરાટ કોહલીને કેમ બતાવ્યો નથી?
T20 વર્લ્ડ કપ સ્પર્ધા ઓસ્ટ્રેલિયામાં 16 ઓક્ટોબરથી શરૂ થસે અને 12 નવેમ્બરે ફાઈનલ મેચ રમાશે. ભારતની પહેલી મેચ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે છે. બંને ટીમ ગ્રુપ-2માં સામેલ છે. આ ગ્રુપમાં દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ પણ છે. પહેલી મેચ પૂર્વે ભારતીય ટીમ બે પ્રેક્ટિસ મેચ રમશે.