નીરજ ચોપરાએ અમેરિકામાં તાલીમ શરૂ કરી

સેન ડિયેગો (કેલિફોર્નિયા): ટોક્યો ઓલિમ્પિક્સ-2021માં ભાલાફેંક (જેવેલિન થ્રો) રમતમાં ભારતને સુવર્ણ ચંદ્રક અપાવનાર નીરજ ચોપરા અમેરિકામાં પહોંચી ગયો છે. અહીં તેણે ઓફ્ફ-સીઝન તાલીમ લેવાનું શરૂ કરી દીધું છે. તેણે કેલિફોર્નિયાના ચુલા વિસ્ટા એલિટ એથ્લીટ ટ્રેનિંગ સેન્ટરમાં તાલીમ શરૂ કરી છે. આગામી કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ અને વર્લ્ડ એથ્લેટિક ચેમ્પિયનશિપની તૈયારી માટે નીરજ અમેરિકામાં ખાસ તાલીમ લઈ રહ્યો છે. તે અહીં વિશ્વ-કક્ષાના કેન્દ્રમાં 90 દિવસ સુધી તાલીમ લેશે. તેની સાથે કોચ ક્લોસ બેર્ટોનિટ્સ પણ છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ગયા શુક્રવારે નીરજની તાલીમ માટેના પ્રસ્તાવને મંજૂરી આપી હતી અને નીરજ ગયા રવિવારે અમેરિકા જવા રવાના થયો હતો. આ તાલીમ માટે રૂ. 38 લાખનો ખર્ચ થશે, જેને ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ અંતર્ગત મંજૂરી અપાઈ છે. નીરજે ગઈ 7 ઓગસ્ટે ટોક્યો ઓલિમ્પિક્સમાં જેવેલીન થ્રોના ફાઈનલ રાઉન્ડમાં 87.85 મીટર દૂર સુધી ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. એથ્લેટિક્સમાં ભારતે આ પહેલી જ વાર ઓલિમ્પિક્સ ગોલ્ડ મેડલ જીત્યો હતો.

નીરજે અમેરિકામાં પોતાના આગમન અને ચુલા વિસ્ટા ટ્રેનિંગ સેન્ટરમાં શરૂ કરેલી તાલીમની તસવીરો ટ્વિટર પર શેર કરી છે. આગામી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ અને કોમનવેલ્થ ગેમ્સ બ્રિટનના બર્મિંઘમમાં યોજાશે જ્યારે એશિયન ગેમ્સ ચીનમાં યોજાવાની છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]