ચેન્નાઈઃ શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર મુથૈયા મુરલીધરન પર અહીંની એપોલો હોસ્પિટલમાં કોરોનરી એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી, જે સફળ રહી છે. હોસ્પિટલ દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે 18 એપ્રિલના રવિવારે મુરલીધરનની તબિયત અચાનક બગડી હતી. છાતીમાં દુખાવો થતો હોવાની ફરિયાદ કર્યા બાદ એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તપાસ કરાયા બાદ એમના હૃદયમાં બ્લોકેજ હોવાનું માલૂમ પડ્યું હતું. સિનિયર ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડો. જી. સેન્ગોત્તુવેલુની દેખરેખ હેઠળ સ્ટેન્ટ સાથે એમની એન્જિયોપ્લાસ્ટી સર્જરી કરવામાં આવી હતી, જે સફળ રહી છે. એમને 19 એપ્રિલના રવિવારે ડિસ્ચાર્જ કરવામાં આવશે અને તેઓ એમની સામાન્ય પ્રવૃત્તિઓ ફરી શરૂ કરી શકશે.
49 વર્ષીય ભૂતપૂર્વ ઓફ્ફ સ્પિનર ઈન્ડિયન પ્રીમિયર લીગ સ્પર્ધામાં સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમના કોચ છે. કોરોનાવાઈરસને કારણે આઈપીએલ માટે ઘડાયેલા પ્રોટોકોલ્સ અનુસાર ક્વોરન્ટીન સમયગાળો પસાર કર્યા બાદ મુરલીધરન ચેન્નાઈમાં એમની ટીમ સાથે ફરી જોડાઈ શકશે. મુરલીધરને એમની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીમાં 800 ટેસ્ટ મેચ વિકેટ સહિત કુલ 1,347 વિકેટ લીધી હતી અને તે વિશ્વવિક્રમ છે. તેઓ શ્રીલંકા વતી 133 ટેસ્ટ, 350 વન-ડે ઈન્ટરનેશનલ્સ અને 12 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો રમ્યા હતા.