આઈપીએલ14: હાર્દિકના બુલેટ-થ્રોએ હૈદરાબાદને મુંબઈ સામે હરાવ્યું

ચેન્નાઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ સ્પર્ધાની હાલ રમાતી 14મી સીઝનમાં ગઈ કાલે અહીં ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાઈ ગયેલી લીગ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 13-રનથી પરાજય આપ્યો હતો. મુંબઈ ટીમે તેના હિસ્સાની 20 ઓવરમાં પાંચ વિકેટે 150 રન કર્યા હતા. તેના જવાબમાં હૈદરાબાદ ટીમ 19.4 ઓવરમાં 137 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. હૈદરાબાદ ટીમના કેપ્ટન ડેવિડ વોર્નરે મેચ બાદ કહ્યું કે કંગાળ બેટિંગને કારણે પોતાની ટીમ મેચ હારી, પરંતુ વાસ્તવમાં, મુંબઈના ચપળ ફિલ્ડર હાર્દિક પંડ્યાના બે ડાયરેક્ટ થ્રોએ જ મેચનું પાસું મુંબઈની તરફેણમાં ફેરવ્યું હતું. હાર્દિકના એક ડાયરેક્ટ થ્રોએ હૈદરાબાદના કેપ્ટન વોર્નર (36)ને આઉટ કર્યો હતો. ત્યારબાદ વિજય શંકર અને અબ્દુલ સમદ હૈદરાબાદને વિજયી લક્ષ્યાંકની નજીક લઈ જઈ રહ્યા હતા ત્યારે એક્સ્ટ્રા કવર સ્થાને ઉભેલા હાર્દિકે એક વધુ સીધો થ્રો કરીને સમદને રનઆઉટ કર્યો હતો. હૈદરાબાદ ટીમને છેલ્લી 3 ઓવરમાં 27 રન કરવાના હતા અને શંકર-સમદની જોડી સફળ થશે એવું એક સમયે લાગતું હતું. વોર્નર અને વિકેટકીપર જોની બેરસ્ટો (43)ની જોડીએ પહેલી વિકેટ માટે 7.2 ઓવરમાં 67 રન બનાવ્યા હતા અને બંને જણ સેટ થઈ ગયા હતા. આમ, હાર્દિકના થ્રોએ મુંબઈ ઈન્ડિયન્સને મેચ-વાપસી કરાવી હતી અને ટીમની જીતમાં મોટો ફાળો આપ્યો હતો. મુંબઈના કાઈરન પોલાર્ડને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરાયો હતો, જે 22 બોલમાં 3 સિક્સર, 1 બાઉન્ડરી સાથે 35 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. ત્રણ મેચમાં મુંબઈની આ બીજી જીત છે જ્યારે હૈદરાબાદ ટીમ તેની ત્રણેય મેચ હારી છે.

મેચ બાદ હાર્દિક પંડ્યાએ કહ્યું કે હું એ ધ્યાન રાખું છું કે એક વાર બોલ હાથમાં આવી જાય એ પછી સ્ટમ્પ્સને ટાર્ગેટ બનાવું છું. વોર્નરને રનઆઉટ કર્યાનો વધારે આનંદ થયો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]