સુરતમાં રેમડેસિવીર ઈન્જેક્શન્સના કાળાબજારઃ 6 શખ્સની ધરપકડ

સુરતઃ ગુજરાતભરમાં કોરોનાવાઈરસ રોગચાળાના કેસો ખૂબ વધી ગયા છે અને એ સાથે જ એન્ટી-વાઈરલ દવા (ઈન્જેક્શન) રેમડેસિવીરની માગ પણ ખૂબ વધી છે. પરંતુ આ દવાની અછત સર્જાતાં મેળવવા માટે દર્દીઓ અને એમનાં સ્વજનોને વલખાં મારવા પડી રહ્યાં છે. એવામાં સુરત શહેરમાં રેમડેસિવીરના કાળાબજારનો કેસ બહાર આવ્યો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે છ જણની ધરપકડ કરી છે જેઓ આ ગુનામાં સંડોવાયેલા છે. આરોપીઓ દરેક ઈન્જેક્શન રૂ. 12,000માં વેચતા હતા.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, ક્રાઈમ બ્રાન્ચે પુણાગામ વિસ્તારમાં રેમડેસિવીર દવાના કાળાબજારનું કૌભાંડ પકડી પાડ્યું છે. આ જીવનાવશ્યક દવાના 12-વાયલ્સ કબજે કર્યા છે અને છ જણને કસ્ટડીમાં પૂરી દીધા છે. તે ઉપરાંત આ શખ્સ પાસેથી રૂ. 2.45 લાખની રોકડ રકમ પણ જપ્ત કરી છે જે તેમણે છેલ્લા અમુક દિવસોમાં આ ઈન્જેક્શનના વેચાણ દ્વારા મેળવી હતી. આમાંનો એક આરોપી યોગી ચોક વિસ્તારની એક હોસ્પિટલનો ભાગીદાર છે અને હોસ્પિટલની અંદરના મેડિકલ સ્ટોરનો માલિક છે. તે રેમડેસિવીર દવા મેળવીને આ હોસ્પિટલમાં દાખલ કરાયેલા દર્દીઓને વેચતો હતો.