ગુજરાતમાં લોકડાઉનનો ગભરાટઃ હજારો પરપ્રાંતીય શ્રમિકોની હિજરત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સંકટ ઘેરું બન્યું છે. કોરોનાવાઈરસના રોજ સેંકડો નવા કેસ નોંધાય છે. તે છતાં હજી પણ રાજ્ય સરકારે લોકડાઉન ઘોષિત કર્યું નથી, પરંતુ એની અફવાઓ સોશિયલ મિડિયા પર જોરમાં છે. એને કારણે ડરના માર્યા હજારો પરપ્રાંતીય કામદારો-મજૂરો રાજ્યના સુરત, અમદાવાદ, વડોદરા જેવા અનેક શહેરોમાંથી પોતપોતાના વતન રવાના થઈ ગયા છે. છેલ્લા ત્રણ દિવસમાં 15 હજારથી વધારે શ્રમિકો હિજરત કરી ગયા હોવાનો અહેવાલ છે.

રેલવે પ્રવાસ પર કેન્દ્ર સરકારે નિયંત્રણોને વધારે કડક બનાવતાં એસ.ટી. અને ખાનગી બસો પર બોજો વધ્યો છે. સુરતથી આવા પરપ્રાંતીય મજૂરોને લઈને રોજ 100થી વધારે બસો ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ તરફ રવાના થાય છે. આ બસો મુખ્યત્વે જૌનપુર, પ્રતાપગઢ, વારાણસી, બાંદા, ગોરખપુર, બલિયા જેવા ઉ.પ્ર., બિહાર, ઝારખંડ રાજ્યોના જિલ્લાઓ તરફ રવાના કરવામાં આવે છે. અનેક શ્રમિક પરિવારોને ફરી એક વાર ગુજરાતમાં એમનું ઘર કે રહેઠાણ વ્યવસ્થાને છોડીને વતનના ગામ તરફ જવાની ફરજ પડી છે. ઔદ્યોગિક ક્ષેત્ર તરીકે જાણીતા પાંડસરા વિસ્તારમાં રોજ બસ દ્વારા હજારો શ્રમિકો પોતપોતાના વતન રાજ્ય તરફ નીકળી રહ્યાં છે. અહેવાલો અનુસાર, કોરોનાનો ચેપ ફેલાતાં અનેક ધંધાઓ લગભગ એક મહિનાથી બંધ છે તેથી પરપ્રાંતીય શ્રમિકો માટે ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]