વલસાડ ‘બુધસભા’એ શાયર ખલીલ ધનતેજવીને શ્રદ્ધાંજલિ આપી

વલસાડ: ગુજરાતી શાયર સદ્દગત ખલીલ ધનતેજવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ વલસાડ ‘બુધસભા’ દ્વારા શનિવારે ઝૂમ મીટિંગ્સ પર ઓનલાઇન યોજાયો હતો. પ્રસિદ્ધ હાસ્યકાર અને ચિંતનાત્મક લેખક રમેશ ચાંપાનેરી રસમંજને પ્રાસ્તાવિક ઉદબોધન અને કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. તેમણે ખલીલ ધનતેજવીના જીવનઝરમરની ઝલક રજૂ કરી હતી અને એમના શેર તેમ જ કાવ્યપંક્તિઓ ટાંકીને રંગત જમાવી હતી.

વલસાડ ‘બુધસભા’નાં પ્રણેતા અને અધિષ્ઠાતા ડો. રાધિકા ટિક્કુએ પ્રારંભમાં સૌ વક્તાઓ તથા શ્રોતાઓને આવકાર આપ્યો હતો અને કાર્યક્રમની ભૂમિકા રજૂ કરી હતી. વલસાડના જાણીતા લોકસાહિત્ય અને કલાસંસ્કૃતિ પ્રોત્સાહક રણજિત દેસાઈએ ખલીલભાઈ સાથેનાં સંસ્મરણો વાગોળતાં એમને નિસ્પૃહી સંવેદનશીલ માણસ ગણાવ્યા હતા અને તેમણે ખલીલની ચૂંટેલી ગઝલો સંભળાવી હતી.

વડીલ અમૃતભાઈ દેસાઈએ શાયર ખલીલની એક મોટા ગજાના અદના ઇન્સાન તરીકે ઓળખ આપી હતી.

વાપીથી લાયન કિરીટ શાહે કહ્યું કે ખલીલ ધનતેજ ગામના વતની હોવાથી ધનતેજવી ભલે કહેવાય હોય પરંતુ તેઓ વાસ્તવમાં તેજરૂપી ધનનો ભંડાર હતા. તેમની હાજરીમાત્રથી મુશાયરાઓ તેજવંત ઝાકઝમાળ બની જતા.

દિલ્હીથી ભાગ્યેન્દ્ર પટેલે ખલીલ ધનતેજવી સાથેની સ્મૃતિઓ ઉલ્લેખતાં જણાવ્યું કે પોતાની શાયરી માધ્યમે જ શ્રોતાઓ સાથે તન્મયતા અને આત્મીયતા સાધી લેવાની એમનામાં જબરી કુનેહ હતી. ભાવપ્રવણ ગંભીર શાયરી કરતા હોય તોય પ્રસંગોપાત રમૂજ કરી લેવાની તેમની ખૂબી બેનમૂન હતી. ‘શું કાંદા કાઢવાના’ એમ તેઓ વિવિધ સંદર્ભે શાયરીઓ મધ્યે બોલતા તો ગમેતેવો શ્રોતાવર્ગ હોય તેમાં તેઓ ખીલી ઊઠતા હતા.

કવયિત્રી કિંજલ પંડ્યાએ ધનતેજવીને અર્પણ કરતી રચના સંભળાવી હતી.

અમદાવાદથી ગીતાંજલિ ખત્રી તેમજ હિમાદ્રિ પટેલ, જગદીશ, હેતલ વગેરે શ્રોતાઓએ સક્રિય હાજરી આપી હતી. વર્ચ્યુઅલ મિટિંગ તરીકે યોજાયેલ આ પ્રથમ વલસાડ ‘બુધસભા’માં હીયા ટિક્કુનો તકનીકી સહકાર મળ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]