મુંબઈ ક્રિકેટ એસોસિએશને ગાવસકરને આપી સ્પેશિયલ બર્થડે ગિફ્ટ

મુંબઈઃ ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને મહાન બેટ્સમેન સુનીલ ગાવસકર આજે એમનો 71મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ક્રિકેટની રમતની એવરગ્રીન હસ્તીઓ પૈકી એક ગાવસકર પર જન્મદિવસની શુભેચ્છાનો વરસાદ વરસી રહ્યો છે.

ગાવસકર જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી તેઓ નિવૃત્ત થયા હતા ત્યારે એમના સમ્માન તરીકે મુંબઈ ક્રિકેટ એસોસિએશને (MCA) વાનખેડે સ્ટેડિયમમાં એમને ફાળવેલી બે સીટને આજે પ્રસ્થાપિત કરી છે.

એક અખબારી યાદીમાં MCA દ્વારા જણાવવામાં આવ્યું છે કે એ બાબત પર અમારું ધ્યાન દોરવામાં આવ્યું હતું કે શ્રીમતી અને શ્રી સુનીલ ગાવસકરને જે બે ફિક્સ્ડ સીટ ફાળવવામાં આવી હતી એ કોઈક પ્રકારની બેદરકારીને લીધે પ્રસ્થાપિત કરવામાં આવી નહોતી.

તે છતાં, પ્રમુખ ડો. વિજય ડી. પાટીલની આગેવાની હેઠળના મુંબઈ ક્રિકેટ એસોસિએશને નક્કી કર્યું છે કે MCAની માલિકીના વાનખેડે સ્ટેડિયમના પ્રેસિડન્ટ બોક્સમાં ગાવસકર દંપતીના નામ સાથેની તે બે ફિક્સ્ડ સીટને પૂર્વવત કરવામાં આવશે એટલું જ નહીં, પણ એને ઉચિત સ્થાને રાખવામાં આવશે.

સુનીલ ગાવસકરે આ જાહેરાતના પ્રતિસાદમાં કહ્યું છે કે, મને મારા જન્મદિવસે આ મધુર ભેટ આપવા બદલ હું MCAનો આભારી છું.

મુંબઈમાં જન્મેલા ગાવસકર ક્રિકેટર તરીકેના એમના દિવસોમાં અત્યંત લોકપ્રિય હતા. ટેસ્ટ ક્રિકેટમાં 10,000 રન પૂરા કરનાર એ વિશ્વના પહેલા બેટ્સમેન હતા.

ટેસ્ટ ક્રિકેટમાં 100 કેચ પકડવાનો વિક્રમ કરનાર પણ એ પહેલા જ ભારતીય ક્રિકેટર હતા. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે સદીનો વિક્રમ પણ 2005ની સાલ સુધી એમના નામે અકબંધ હતો.

આ છે, ગાવસકરને નામે નોંધાયેલા કેટલાક વિક્રમોઃ

  • ટેસ્ટ ક્રિકેટમાં 10,000 રન પૂરા કરનાર એ દુનિયાના પહેલા બેટ્સમેન હતા
  • ટેસ્ટ ક્રિકેટમાં 100 કેચ પકડનાર પહેલા જ ભારતીય ફિલ્ડર હતા
  • વેસ્ટ ઈન્ડિઝ સામે સૌથી વધારે સદી ફટકારનાર બેટ્સમેન (13 સદી)
  • ડેબ્યૂ સિરીઝમાં સૌથી વધુ રનનો વિક્રમ – 774 રન (વેસ્ટ ઈન્ડિઝ સામે)
  • ટેસ્ટ મેચના બંને દાવમાં ત્રણ વખત સદી ફટકારનાર પહેલા જ બેટ્સમેન હતા
  • 18 જુદા જુદા બેટ્સમેનો સાથે 100 રનની ભાગીદારી કરી – 58 વખત