એશિયા કપ રદ: IPLની શક્યતા વિશે ગાંગુલીએ કર્યો ઈશારો

નવી દિલ્હી:  ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના ચાહકો માટે થોડા સારા સમાચાર છે. જોકે, ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)એ આઈપીએલને લઈને કોઈ ઔપચારિક જાહેરાત નથી કરી પણ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલીની વાત પરથી આ વર્ષે આઈપીએલ રમાવાની સંભાવના વધી ગઈ છે. મહત્વનું છે કે, સપ્ટેમ્બરમાં યોજાનાર એશિયા કપ સ્પર્ધા રદ કરી દેવામાં આવી છે, તો ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી-20 વર્લ્ડ કપ ઉપર પણ સંકટના વાદળો ઘેરાયા છે.

સૌરવ ગાંગુલીએ ‘સ્પોર્ટ્સ તક’ ચેનલને આપેલા એક ઈન્ટવ્યૂમાં કહ્યું કે, સપ્ટેમ્બરમાં યોજાનાર એશિયા કપ રદ કરી દેવામાં આવ્યો છે. મને લાગે છે કે, આઈસીસી ટી-20 વર્લ્ડ કપ પણ રદ થશે. તમામ દેશો ટૂર્નામેન્ટને લઈને આઈસીસી પાસેથી નિર્દેશ માંગી રહ્યા છે. આયોજનની તૈયારીને લઈને પણ સમય લાગે છે. સૌરવ ગાંગુલીએ કહ્યું કે, જુલાઈના મધ્ય સુધીમાં ખબર પડશે કે, ટી-20 વર્લ્ડ કપ યોજાશે કે નહીં.

સૌરવ ગાંગુલીએ વધુમાં કહ્યું કે, ઓક્ટોબર-નવેમ્બરમાં ટી-20 વર્લ્ડ કપ યોજવાનું નિર્ધારિત છે. ટી-20 વર્લ્ડ કપ યોજવા માટે આઈસીસી પ્રયત્ન કરી રહ્યું છે, કારણ કે તેમાંથી વધુ પ્રમાણમાં આવક મળે છે. જ્યાં સુધી આઈસીસી તરફથી નિર્દેશ ન મળે ત્યાં સુધી આઈપીએલ વિશે કશું કહી ન શકાય. એશિયા કપ સ્પર્ધા તો રદ થઈ ચૂકી છે, પણ આગળ શું થશે એ અંગે કશું કહી ન શકાય.

જો ટી-20 વર્લ્ડ કપ રદ થાય તો શું આઈપીએલ માટે પ્રયત્ન કરશો?  એ સવાલના જવાબમાં ગાંગુલીએ કહ્યું કે, મને લાગે છે કે, આઈસીસી ટી-20 વર્લ્ડ કપ પણ રદ થશે. આઈપીએલને લઈને અમારા પ્રયત્નો ચાલુ છે. ભારત માટે આઈપીએલ ઘણું મહત્વ ધરાવે છે. અમારો પ્રયત્ન છે કે, ઘરઆંગણે જ આઈપીએલનું આયોજન થાય.

ગાંગુલીએ કહ્યું કે, 4થી 5 ભાગમાં અમે આઈપીએલનું આયોજન કરી શકીએ છીએ. જરૂર ઊભી થશે તો આઈપીએલને દેશની બહાર લઈ જવા અંગે પણ અમે વિચાર કરીશું. અમારા માટે તમામ વિકલ્પો ખુલ્લા છે. શ્રીલંકામાં કોરોના વાઈરસના કેસ ઓછા છે. દુબઈમાં પણ સ્થિતિ કન્ટ્રોલમાં છે. પણ હજુ સુધી બોર્ડમાં આ અંગે ચર્ચા નથી થઈ.