દરેક સિરીઝમાં એક પિન્ક ટેસ્ટ મેચ હોવી જોઈએઃ ગાંગુલી

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી આજે એમનો 48મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ‘પ્રિન્સ ઓફ કોલકાતા’ અને ‘રોયલ બેંગાલ ટાઇગર’ના તરીકે મશહૂર થયેલા સૌરવ ગાંગુલી હાલ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના પ્રમુખ છે. એમણે પોતાની ઝળહળતી કારકિર્દીમાં અનેક સફળતા સર કરી હતી. આઠ જુલાઈ, 1972એ જન્મેલા ગાંગુલી ભારતીય ક્રિકેટના ઇતિહાસના સફળ કેપ્ટનોમાંના એક છે. ગાંગુલીનું માનવું છે કે દરેક ટેસ્ટ સિરીઝમાં એક પિન્ક ટેસ્ટ એટલે કે ડે-નાઇટ ટેસ્ટ હોવી જરૂરી છે. ગાંગુલીનું માનવું છે કે આમ કરવાથી વધુ દર્શકો સ્ટેડિયમમાં બેસીને મેચ જોઈ શકે છે. ગાંગુલીએ ગયા વર્ષે ભારત અને બંગલાદેશ વચ્ચે બંને દેશની પહેલી પિંક ટેસ્ટનું આયોજન કરાવ્યું હતું.

દરેક સિરીઝમાં એક ડે-નાઇટ ટેસ્ટ મેચ મહત્ત્વપૂર્ણ

યજમાન ભારત અને બંગલાદેશની વચ્ચેની પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ મેચ ઈડન ગાર્ડન્સમાં દર્શકોને આકર્ષિત કરવામાં સફળ રહી હતી. એ મેચ જોવા માટે પ્રેક્ષકો રેકોર્ડ સંખ્યામાં ઈડન ગાર્ડન્સ પહોંચ્યા હતા. સૌરવ ગાંગુલીએ ઓપનર મયંક અગ્રવાલની સાથેના ચેટ શોમાં વાત કરતાં કહ્યું હતું કે મને લાગે છે કે દરેક ટેસ્ટ સિરીઝમાં એક ડે-નાઈટ મેચ મહત્ત્વપૂર્ણ બની રહેશે, કારણ કે ક્રિકેટની બધાને જરૂર છે. આપણે કોલકાતામાં ગુલાબી બોલથી ટેસ્ટ મેચ રમ્યા હતા અને મને નથી લાગતું કે એ ભારત-બંગલાદેશ વચ્ચેની કોઈ સામાન્ય ટેસ્ટ મેચ હતી.

પિંક ટેસ્ટ મેચ ગાંગુલીની દેન

ક્રિકેટ એસોસિયેશન ઓફ બેંગાલના ભૂતપૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે મને એમ હતું કે તે ડે-નાઈટ મેચ પાંચ દિવસ સુધી ચાલશે, પણ માત્ર ત્રણ દિવસોમાં જ અમે કુલ 3.50 લાખ લોકોને સ્ટેડિયમમાં લાવવામાં સફળ રહ્યા હતા. જ્યારથી ગાંગુલીએ BCCI અધ્યક્ષપદનો કાર્યભાર સંભાળ્યું છે ત્યારથી તેઓ ક્રિકેટમાં કંઈક નવીનતા લાવવા માટે પ્રયત્નશીલ છે. ભારતીય ટીમ જે પહેલી ડે-નાઇટ ટેસ્ટ મેચ રમી હતી, એ તેમની જ દેન હતી, કેમ કે તેમણે બંગલાદેશ ક્રિકેટ બોર્ડ પાસેથી એની મંજૂરી મેળવી હતી. આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જનારી ભારતીય ટીમ ત્યાં પણ એક પિન્ક ટેસ્ટ મેચ રમશે.

ટેસ્ટ ક્રિકેટના પાંચ દિવસના માળખામાં ફેરફારની જરૂર નથી

ગયા વર્ષે ICCએ કહ્યું હતું કે એ ઘણા લાંબા સમયથી ક્રિકેટમાં બદલાવ લાવવા ઇચ્છતી હતી અને એણે ચાર દિવસીય ટેસ્ટ મેચોના પ્રયાસો કરવાનું સૂચન કર્યું હતું. જોકે ગાંગુલીએ કહ્યું હતું કે તે આ વિસાચ સાથે સહમત નથી. તેણે કહ્યું હતું કે મોટા ભાગની ટેસ્ટ મેચ ચાર દિવસમાં પૂરી નહીં થા. તમારી પાસે પાંચ દિવસ છે અને આ માળખા સાથે છેડછાડ કરવાની કોઈ જરૂર નથી. મારા માટે ટેસ્ટ ક્રિકેટ સારું અને કઠિન માળખું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]