હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ નતાશા સાથે સગાઈ કરી; ક્રિકેટરે સોશિયલ મિડિયા પર જાણકારી આપી

દુબઈ/વડોદરા – ટીમ ઈન્ડિયાના ક્રિકેટર હાર્દિક પંડ્યાએ નવા વર્ષનો ધમાકેદાર રીતે આરંભ કર્યો છે. આ ઓલરાઉન્ડરે એની ગર્લફ્રેન્ડ નતાશા સ્ટેન્કોવિચ સાથે આજે સગાઈ કરી લીધી છે અને હાર્દિકે પોતે જ આ જાણકારી ઈન્સ્ટાગ્રામ પર આપી છે. નતાશા સર્બિયાની મોડેલ અને અભિનેત્રી છે. આ બંને જણ રિલેશનશિપમાં છે એવી ચર્ચા ઘણાય વખતથી ચાલતી હતી.

એણે નતાશા સાથે પોતાની સગાઈ થયાને સમર્થન આપ્યું હતું અને એની સાથેની તસવીરો પોસ્ટ કરી છે. એક તસવીરમાં, નતાશા એની આંગળી પર સગાઈની વીંટી પણ બતાવે છે.

નતાશા હાર્દિકની લાંબા સમયની ગર્લફ્રેન્ડ છે. એ હાર્દિકના ગાઢ મિત્રવર્તુળમાં રહેલી છે. હાર્દિકે એની ઓળખાણ પોતાના માતાપિતાને પણ કરાવી હતી.

26 વર્ષીય હાર્દિક પંડ્યા હાલ દુબઈમાં છે અને પીઠના દુખાવાની તકલીફની સારવાર લઈ રહ્યો છે. એની સાથોસાથ તે પોતાની ગર્લફ્રેન્ડ સાથે સમય પણ વિતાવી રહ્યો છે.

ન્યૂઝીલેન્ડના પ્રવાસે જનાર ઈન્ડિયા-A ટીમો હાર્દિક સભ્ય છે.

તસવીરો સાથેની કેપ્શનમાં હાર્દિકે લખ્યું છેઃ ‘મૈં તેરા, તૂ મેરી, જાને સારા હિન્દુસ્તાન. 01.01.2020 #engaged’

સગાઈના બંધનમાં નવું જ બંધાયેલું આ યુગલ આ તસવીરો પરથી કોઈક સ્પીડબોટમાં સહેલગાહ કરતું હોય એવું જણાય છે.

આ તસવીરની કેપ્શનમાં હાર્દિકે લખ્યું છેઃ ‘મારી ફાયરવર્ક (ફટાકડી) સાથે નવા વર્ષનો આરંભ.’

પંડ્યાને થોડાક સમય અગાઉ પીઠના દુખાવાને કારણે સર્જરી કરાવવી પડી હતી. આ ઈન્જરીને કારણે એ ક્રિકેટથી દૂર રહ્યો છે. છેલ્લે એ દક્ષિણ આફ્રિકા સામે ભારતની ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ સિરીઝમાં રમ્યો હતો, પરંતુ ત્યારબાદ બાંગ્લાદેશ અને વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીઓમાંથી એને બાકાત રાખવામાં આવ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]