લાહોરઃ શાહિન આફ્રિદીની કેપ્ટનશિપ હેઠળ લાહોર કલંદર્સ ટીમે પાકિસ્તાન સુપર લીગ (PSL 2022 ફાઇનલ)માં મુલતાન સુલતાંસને 42 રનથી હરાવતાં પહેલો ખિતાબ જીત્યો હતો. આ મેચમાં પહેલાં બેટિંગ કરતાં લાહોર કલંદર્સે પાંચ વિકેટે 180 રન બનાવ્યા હતા. એના જવાબમાં મોહમ્મદ રિઝવાનની કેપ્ટનવાળી ટીમે બધી વિકેટ ગુમાવીને 138 રન જ બનાવ્યા હતા. શાહિને આક્રમક બોલિંગ કરીને 30 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.
લાહોર કલંદર્સે ટોસ જીતીને પહેલાં બેટિંગ પસંદ કરી હતી, પણ તેનો પ્રારંભ નબળો રહ્યો હતો. ફખર જમાં (3), જિશાન અશરફ (7), શફિક (14) અને કામરાન ગુલામ (15) સસ્તામાં આઉટ થયા હતા. એ પછી અનુભવી ક્રિકેટર મોહમ્મદ હફિઝ, હેરી બ્રુક અને ડેવિડ વીસે આક્રમક બેટિંગ કરી હતી.
હફીએ 46 બોલમાં નવ ચોક્કા અને એક છક્કાની મદદથી 69 રન બનાવ્યા હતા, જ્યારે હેરીએ 22 બોલમાં 41 નોટઆઉટ રન અને વીસે માત્ર આઠ બોલમાં ત્રણ છક્કા અને એક ચોક્કો ફટકારતાં 28 રન બનાવ્યા હતા. આ રીતે ટીમે 180 રનનો જંગી સ્કોર ઊભો કર્યો હતો.
🌟 The Qalandars Dream comes true after 7 years! 🌟 #HBLPSL7 l #LevelHai l #MSvLQ I #HBLPSLFinal pic.twitter.com/TVdLsf688T
— PakistanSuperLeague (@thePSLt20) February 27, 2022
એના જવાબમાં મુલતાન સુલતાંસની શરૂઆત નબળી રહી હતી અને છેવટ સુધી એ એમાંથી ઊભરી નહોતી શકી. ખુશદિલ શાહે સૌથી વધુ 22 અને ટીમ ડેવિડે 27 રનની ઇનિંગ્સ રમી હતી. કેપ્ટન મોહમ્મદ રિઝવાન 14 રન બનાવ્યા હતા. લાહોરના શાહિન સિવાય મોહમ્મદ હફિસ અને સમાન ખાને બે-બે વિકેટ લીધી હતી. જ્યારે હારિસ રઉફ અને ડેવિડ વીસે એક-એક વિકેટ લીધી હતી. હફિસને ‘મેન ઓફ ધ મેચ’ અપાયો હતો.