નવા-ખેલાડીઓને તક આપવાથી ફાયદો થયોઃ રોહિત શર્મા

ધરમસાલાઃ શ્રીલંકાને ગઈ કાલે અહીં ત્રીજી અને શ્રેણીની આખરી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં 6-વિકેટથી હરાવીને 3-0 ક્લીન સ્વીપ પરાજય આપનાર ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે નવા ખેલાડીઓને તક આપવા માટે આ શ્રેણી ઘણી સારી અને ફાયદાકારક બની રહી. આના પરથી જાણવા મળ્યું કે બેન્ચ પરના ખેલાડીઓમાં પણ કેટલી બધી ક્ષમતા રહેલી હોય છે. ગઈ કાલની મેચમાં શ્રીલંકાએ તેના હિસ્સાની 20 ઓવરમાં પાંચ વિકેટે 146 રન કર્યા હતા. ભારતે તેના જવાબમાં 16.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 148 રન કરીને મેચ જીતી લીધી હતી. શ્રેયસ ઐયર 45 બોલમાં 73 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. એને ‘પ્લેયર ઓફ ધ મેચ’ તેમજ ‘પ્લેયર ઓફ ધ સીરિઝ’ ઘોષિત કરાયો હતો.

ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ ફોર્મેટમાં ભારતનો આ સતત 12મો વિજય નોંધાયો છે. આઈસીસી દ્વારા ‘સંપૂર્ણ સભ્ય’ તરીકે માન્યતા પામેલી ટીમમાં ભારતે આ વિક્રમમાં અફઘાનિસ્તાનની બરોબરી કરી છે. આ ફોર્મેટમાં ઘરઆંગણે ભારતનો આ સતત 7મો શ્રેણીવિજય છે.