ભારત અને પાકિસ્તાનની ટીમો છઠ્ઠી માર્ચે ટકરાશે

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાનની છઠ્ઠી માર્ચે ટક્કર થવાની છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ કપનો પ્રારંભ પ્રતિદ્વંદ્વી પાકિસ્તાનની સાથે કરશે. બંને ટીમો વર્લ્ડ કપમાં આ પહેલાં બે વાર રમી ચૂકી છે અને આ વખતે ત્રીજી વાર વર્લ્ડ કપની મેચમાં બંને ટીમો આમનેસામને હશે. જોકે બંને મેચ ભારતીય ટીમ જીતી ચૂકી છે. આમ ભારતનો પાકિસ્તાનની સામે 100 ટકા રેકોર્ડ રહ્યો છે. પાકિસ્તાનની ટીમ ભારતીય ટીમ સામે લાચાર રહી છે. એની ટીમ 100નો આંકડો પણ પૂરો નથી કરી શકી.

બંને વચ્ચેની છેલ્લી મેચ બીજી જુલાઈ, 2017એ ઇંગ્લેન્ડમાં રમાઈ હતી, જેમાં ભારતીય ટીમે પહેલાં બેટિંગ કરતાં નવ વિકેટે 169 રન બનાવ્યા હતા. પાકિસ્તાનની ટીમ આ મેચમાં લક્ષ્યનો પીછો કરતાં માત્ર 74 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી અને ભારતીય ટીમે 95 રનોથી મેચ સરળતાથી જીતી લીધી હતી. પાકિસ્તાન તરફથી બોલર નશરા સંધુએ ચાર વિકેટ લીધી હતી. ભારત તરફથી પૂનમ રાવતે 47 રન અમને સુષમા વર્મા 33 રનોની ઇનિંગ્સ રમી હતી.

ભારતીય ટીમનું સુકાન મિતાલી રાજના હાથમાં છે, જ્યારે પાકિસ્તાનની કેપ્ટન બિસ્માહ મારુફ છે. સના મીર જે ત્યારે ટીમમાં હતી, એ હવે ટીમમાં પણ નથી.

ભારતીય ટીમમાં મિતાલી રાજ (કેપ્ટન), હરમનપ્રીત કૌર (વાઇસ કેપ્ટન), સ્મૃતિ મંધાના, શૈફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા, દીપ્તિ શર્મા, ઋચા ઘોષ, સ્નેહ રાણા, ઝૂલન ગોસ્વામી, પૂજા વસ્ત્રાકર, મેઘના સિંહ, રેણુકા, તાનિયા ભટ્ટ (વિકેટકીપર) રાજ્શ્વરી ગાયકવાડ અને પૂનમ યાદવનો સમાવેશ થાય છે.