યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને કાઢવામાં હવે IAF પણ જોતરાશે

નવી દિલ્હીઃ યુક્રેનનાં યુદ્ધગ્રસ્ત શહેરો અને સરહદી વિસ્તારોમાં ફસાયેલા ભારતીય નાગરિકોને કાઢવા માટે ભારત તેજ પ્રયાસ કરી રહ્યું છે. આ ઓપરેશન પર વડા પ્રધાન મોદી ઝીણવટભરી નજર રાખી રહ્યા છે. ઓપરેશન ગંગા હેઠળ ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે વડા પ્રધાને ભારતીય એર ફોર્સને નિર્દેશ આપ્યા છે. એર ફોર્સના હવાઈ જહાજોના જોડાવાથી ભારતીયોને પરત લાવવાની પ્રક્રિયા ઝડપી બનશે અને તેમની સંખ્યામાં વધારો થશે. આ સાથે ભારત યુક્રેનમાં રાહત સામગ્રી પણ ઝડપથી પહોંચશે. ઇન્ડિયન એર ફોર્સનાં કેટલાંય C-17 વિમાન ઓપરેશન ગંગા હેઠળ ઉડાન શરૂ કરે એવી શક્યતા છે.

યુક્રેનમા  ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે કમસે કમ ત્રણ ફ્લાઇટ્સ નિર્ધારિત છે. એમાં રોમાનિયાની રાજધાની બુખારેસ્ટમાંથી બે ફ્લાઇટ્સ અને હંગેરીની રાજધાની બુડાપેસ્ટની એક ફ્લાઇટ્સ સામેલ છે. આ ફ્લાઇટ્સ મુંબઈ અને દિલ્હીમાં પહોંચશે. ઓપરેશન ગંગા હેઠળ સવારે નવમી ફ્લાઇટ્સ ભારત પરત ફર્યાની ઘોષણા કરતાં વિદેશપ્રધાન ડો. એસ. જયશંકરે ટ્વીટ કર્યું હતું કે અમે ત્યાં સુધી નિરાંતનો શ્વાસ નહીં લઈએ, જ્યાં સુધી અમારા સાથી ભારતીય સુરક્ષિત નહીં હોય. યુક્રેનથી અત્યાર સુધી આશરે 2000 પ્રવાસીઓ આવી ચૂક્યા છે.  

દરમ્યાન યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે નિર્દેશ જારી કરવામાં આવ્યા છે, તેમને કોઈ પણ સ્થિતિમાં કિવ છોડવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. તેઓ કિવથી નીકળવા માટે ટ્રેન, બસ કે કોઈ પણ ચીજનો સહારો લઈને કિવ છોડી દે.