કશ્મીર મામલે ટિપ્પણી કરનાર અફરિદીની કોહલી, કપિલ દેવે ઝાટકણી કાઢી

બેંગલુરુ – કશ્મીરમાં ભારતીય સુરક્ષા દળો દ્વારા ચલાવવામાં આવી રહેલી ત્રાસવાદ-વિરોધી કામગીરીઓને વખોડી કાઢતું ટ્વીટ કરનાર પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન શાહિદ અફરિદીને ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવે આજે બરાબરનો ઝાટકી નાખ્યો છે.

અફરિદીના નિવેદન વિશે કોહલી અને કપિલે ગુસ્સો વ્યક્ત કર્યો છે. અફરિદીએ ગઈ કાલે પોતાના ટ્વિટર હેન્ડલ પર કરેલા એક ટ્વીટમાં કશ્મીરને ભારતના કબજા હેઠળનું ગણાવ્યું છે અને લખ્યું છે કે ભારતના કશ્મીરમાં પરિસ્થિતિ ભયાનક અને ચિંતાજનક બની ગઈ છે. ત્યાં દમનકારી શાસકો નિર્દોષ લોકોને ઠાર મારી રહ્યા છે, જેઓ આઝાદી માટે અવાજ ઉઠાવી રહ્યા છે. મને આશ્ચર્ય એ વાતનું છે કે સંયુક્ત રાષ્ટ્રો (યૂએન) તથા શાંતિની અપીલ કરનાર અન્યો ક્યાં છે?

અફરિદીના આ ટ્વીટનો કોહલી અને કપિલે ગુસ્સામાં વળતો જવાબ આપ્યો છે તો સુરેશ રૈના અને ગૌતમ ગંભીર જેવા અન્ય ક્રિકેટરોએ પણ અફરિદીની ઝાટકણી કાઢી છે.

કશ્મીર વિશે આ છે, અફરિદીનું વિવાદાસ્પદ ટ્વીટ…

httpss://twitter.com/SAfridiOfficial/status/981084208369192961

પત્રકારો સાથેની વાતચીતમાં કોહલીએ આજે જણાવ્યું કે, એક ભારતીય તરીકે અમે દેશના હિતમાં હોય એ જ કહીએ છીએ. મારી રુચિ હંમેશાં દેશનાં હિતમાં જ હોય છે. જો કોઈ એનો વિરોધ કરે તો હું એને ક્યારેય ટેકો ન આપું.

કોહલીએ વધુમાં કહ્યું કે, કોઈ પણ મુદ્દા પર બોલવાનો કોઈ પણ વ્યક્તિને અધિકાર છે. મને પૂરી જાણકારી ન હોય તો હું એની પર મારો અભિપ્રાય આપતો નથી, પણ મારી પ્રાથમિકતા દેશની પડખે ઊભા રહેવાની જ છે.

આ અફરિદી વળી કોણ છેઃ કપિલ દેવ

1983માં પહેલી જ વાર ક્રિકેટ વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમના કેપ્ટન કપિલ દેવે પણ અફરિદીની ટીકા કરી છે અને એમણે તો એવું કહ્યું કે, ‘આ (અફરિદી) કોણ છે? આપણે એને મહત્વ જ શું કામ આપીએ છીએ? આપણે અમુક લોકોને જરાય મહત્વ આપવું ન જોઈએ.’

સુરેશ રૈનાએ ટ્વીટમાં અફરિદીને ટેગ કરીને કહ્યું છે કે, કશ્મીર ભારતનો અવિભાજ્ય હિસ્સો છે અને હંમેશાં રહેશે. કશ્મીર એ પવિત્ર ભૂમિ છે જ્યાં મારા પૂર્વજોનો જન્મ થયો હતો. હું આશા રાખું છું કે શાહિદ અફરિદી ભાઈ પાકિસ્તાન આર્મીને કશ્મીરમાં આતંકવાદ અને પ્રોક્સી યુદ્ધ રોકવાનું કહેશે. અમે શાંતિ ઈચ્છીએ છીએ, રક્તપાત નહીં.

httpss://twitter.com/ImRaina/status/981490918468415488

આ છે, શાહિદ અફરીદીને ગૌતમ ગંભીરનો જવાબ…

ગંભીરે જોરદાર જવાબ આપતા અફરિદીને કહ્યું કે અફરિદીની નજર યૂએન સંસ્થા પર છે જે એની મંદબુદ્ધિવાળા શબ્દકોશ અનુસાર અન્ડર-19 છે. શાહિદ અફરિદી નોબોલ પર વિકેટ લઈને આનંદ માણી રહ્યો છે.

httpss://twitter.com/GautamGambhir/status/981136834913763333

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]