કોહલી ફરી ચૂક્યો 49મી ODI સદી; 88 રને આઉટ થયો

મુંબઈઃ ભૂતપૂર્વ કેપ્ટન અને ભારતીય ટીમના સ્ટાર બેટર વિરાટ કોહલીને તેની 49મી વન-ડે ક્રિકેટ ફરી હાથતાળી આપી ગઈ છે. અહીંના વાનખેડે સ્ટેડિયમ ખાતે શ્રીલંકા સામે રમાતી વર્લ્ડ કપ-2023 રાઉન્ડ રોબીન લીગ મેચમાં આજે તે વ્યક્તિગત 88 રનના સ્કોર પર આઉટ થઈ જતાં હજારો સ્ટેડિયમ દર્શકો અને કરોડો ટીવી દર્શકોમાં નિરાશા વ્યાપી ગઈ હતી. ટોસ હાર્યા બાદ બેટિંગ કરી રહેલી ભારતીય ટીમનો સ્કોર 31.3 ઓવરમાં 196-2 હતો ત્યારે ડાબોડી ફાસ્ટ મીડિયમ પેસર દિલ્શાન મદુશંકાની બોલિંગમાં કોહલી ધીમા બોલને રમવામાં થાપ ખાઈ ગયો હતો અને શોર્ટ કવર પર ઉભેલા નિશાંકાને કેચ દઈ બેઠો હતો. કોહલી મહાન બેટર માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરના 49 સદીના વિક્રમની આજે બરોબરી કરશે એવું લાગતું હતું. અગાઉ ન્યૂઝીલેન્ડ સામેની વર્લ્ડ કપ મેચમાં કોહલી 95 રનના સ્કોર પર આઉટ થઈ ગયો હતો. આજની મેચમાં કોહલીએ વન-ડે ક્રિકેટમાં 70મી હાફ સેન્ચુરી ફટકારી હતી. કોહલીએ 2008માં શ્રીલંકા સામેની મેચમાં રમીને વન-ડે ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. તેંડુલકરે તેની 49 સદી 463મી મેચમાં ફટકારી હતી જ્યારે કોહલી આજે તેની 288મી વન-ડે મેચ રમી રહ્યો છે.

સામે છેડે શુભમન ગિલ પણ જોરદાર ફોર્મમાં હતો, પરંતુ એ વ્યક્તિગત 92 રનના સ્કોર પર આઉટ થઈ ગયો હતો. એ સાથે જ બંને વચ્ચે બીજી વિકેટ માટેની 189 રનની ભાગીદારીનો અંત આવી ગયો હતો. ગિલે 92 બોલના દાવમાં 11 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.